કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન 4.0 માં લોકોને છૂટછાટ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ એસટી નિગમે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં, આવતીકાલ એટલે કે બુધવારથી રાજ્યમાં બસ સેવા શરૂ થશે. GSRTC તરફથી બસો દોડાવવા માટે ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. આ ચાર ઝોનમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. મુસાફરી માટે લોકોએ ટિકિટ અને રકમની ચૂકવણી ઓનલાઇન કરવાની રહેશે.

જેમાં, એક ઝોનની બસ બીજા ઝોનમાં પ્રવેશ નહીં કરે. આ સાથે બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું પડશે. બસમાં તેની ક્ષમતાના 70 ટકા જ મુસાફરો ભરવામાં આવશે. આ બસો સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી જ દોડશે. સાંજના સાત વાગ્યાથી સરકાર તરફથી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે, આથી આ સમયગાળા દરમિયાન કર્ફ્યૂનું પાલન કરવામાં આવશે.

મુસાફરીની શરૂઆત પહેલાં પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. આ તપાસમાં શંકાસ્પદને પ્રવેશ આપવામાં આવશે નહિ. મુસાફરોને સેનિટાઈઝ કર્યા બાદ જ બસમાં બેસવાની પરવાનગી આપવામાં આવશે.દરેક મુસાફરે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. બસમાંથી પાનની પીચકારી મારવા પર પ્રતિબંધ રહેશે. એક બસમાં 30 જેટલા પ્રવાસીને બેસાડવામાં આવશે.
આ પણ વાંચો : લોકડાઉનથી મળેલી છૂટછાટમાં આ વાતોને ના કરતા નજરઅંદાજ…
મળેલી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્યમાં 88 જેટલી બસો દોડશે. સરકારની જાહેરાત પ્રમાણે હાલ અમદાવાદમાં એસ.ટી.ની બસો નહીં દોડે. હાલ એક તાલુકાથી બીજા તાલુકા વચ્ચે જ બસો દોડવામાં આવશે. આ મુસાફરી દરમિયાન બસ રસ્તામાં ઉભી રહીને મુસાફરોને લઇ શકશે નહિ.
