ભારતમાં 21 દિવસીય લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી, કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે કે, સરકાર વિશ્વાસ અપાવે કે લોકોના પગારમાં કોઈ કાપ મુકવામાં નહિ આવે અને 6 મહિના સુધી ખાનગી સેક્ટરના કર્મચારીઓને પોતાની નોકરી ગુમાવાનો વારો ન આવે. તે માટે સરકારે કોઈ વિચાર કરી પગલાં લેવા જોઈએ.

તે અંગે કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, કેન્દ્ર સરકાર MSME સેક્ટરના કર્મચારીઓના પગારનો 70 ટકા ખર્ચ ભોગવે અને માર્ચથી લઈને મે મહિના સુધીનો પગાર પણ ચૂકવે. આ સંકટના સમયમાં લોકોના પગારમાં કોઈ પણ પ્રકારનો કાપ ન મુકવો જોઈએ.

70 ટકા સરકાર ભોગવે
તેમને કહ્યું કે, દેશમાં લઘુ, સૂક્ષ્મ, મધ્યમ ઉદ્યોગોના 4.25 કરોડ એકમો છે અને તેનું GDP માં યોગદાન 29 ટકા છે. જે અંદાજે 61લાખ કરોડ થાય છે. તે કર્મચારીઓના 3 મહિનાનો પગારના 70 ટકા સરકાર દ્વારા ચુકવવામાં આવે.

રોજગારની સુરક્ષા માટે કાયદો બનાવે સરકાર
દેશની અર્થ વ્યવસ્થામાં ટ્રક ચાલાકો પણ ભાગીદાર છે. સમગ્ર ભારતમાં 30 લાખ ટ્રક ચાલકો છે. અત્યારના લોકડાઉનના સમયમાં તે લોકોને રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. સરકાર દ્વારા તે સમજીને તેમના ખાતામાં 3 મહિનાનો પગાર ચૂકવવો જોઈએ અને આગામી 6 મહિના સુધી કોઈ પણ સેક્ટરમાં કર્મચારીઓને છુટા ના કરવામાં આવે તેવો કાયદો બનાવવો જોઈએ.
