કોરોના વાયરસ સામનો કરવો એ હાલમાં સમગ્ર વિશ્વના ડોક્ટર માટે પડકાર સમાન છે. હાલના સંકટ સમયમાં ડોક્ટર કોરોના વાયરસના નિદાન માટે પોતાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ, દેશનાં અનેક રાજ્યો અને શહેરોમાં લોકો દ્વારા તેમજ દર્દીઓ દ્વારા કરવામાં આવતા હુમલાનાં વિરોધમાં IMA દ્વારા કરેલા એલાન અનુસાર ૨૨ એપ્રિલે બુધવારે રાત્રે ૯ કલાકે મીણબત્તીઓ પ્રગટાવીને તમામ ડોકટરો અને હોસ્પિટલો દ્વારા સરકારને વ્હાઈટ એલર્ટ આપવામાં આવશે. ડોકટરો અને હોસ્પિટલોને સુરક્ષિત રાખવા અને વ્હાઈટ એલર્ટ રેડ એલર્ટમાં ન ફેરવાય તેની સરકારને અપીલ કરવામાં આવશે.

જો સરકાર દ્વારા વટહૂકમ લાવીને ડોકટરો, નર્સો, હેલ્થ વર્કર્સ, હોસ્પિટલોને રક્ષણ આપતો કાયદો નહીં ઘડાય તો ૨૩ એપ્રિલે ગુરુવારે બ્લેક ડે મનાવવામાં આવશે. દેશનાં તમામ ડોકટરો હાથ પર કાળી પટ્ટી બાંધીને કામ કરશે. ૨૩મી એપ્રિલે ગુરુવારે દેશભરમાં ડોકટરોએ બ્લેક ડે મનાવવાનું નક્કી કર્યું છે. લોકો દ્વારા ડોકટરોને મારવામાં આવી રહ્યા છે, અપશબ્દોપ્રયોગ, કોરોનાનાં દર્દીની સર્ચ કામગીરી વખતે ઘરમાં પ્રવેશની મનાઈ કરાય છે. છેલ્લે અંતિમક્રિયામાં અવરોધો સર્જવામાં આવ્યા તેમ છતાં પણ અત્યાર સુધી સુધી ઈન્ડિયન મેડિકલ એસોસીએશન (IMA) દ્વારા શાંતિ અને સંયમ રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં વિવિધ અધિકારીઓને સોંપાઈ જવાબદારીઓ, 4000 જેટલા ઉદ્યોગો શરુ

હુમલાઓ વચ્ચે પણ દર્દીની સારવાર યથાવત
દેશમાં કોરોના વોરિયર્સ એવા ડોકટરો, નર્સો, મેડિકલ સ્ટાફ, આશા વર્કસ પર દર્દીઓ દ્વારા અને કોરોના શકમંદો દ્વારા દેશના કેટલાક રાજ્યોમાં હુમલાની ઘટનાઓ બની રહી છે. ઈન્દોર, મેરઠ જેવા શહેરોમાં મેડિકલ ટીમ પર પથ્થરમારો કરવાની તેમજ તલવાર અને ધારિયા જેવા ઘાતક હથિયારોથી હુમલા કરવાની ઘૃણાસ્પદ ઘટનાઓ બની હતી. ક્યાંક નર્સો સાથે અભદ્ર વર્તન કરીને નર્સો પાસે બેહુદી માગણીઓ કરવાની ઘટનાઓ સામે આવી હોવા છતાં ડોક્ટર અને નર્સ દ્વારા દર્દીઓની સેવામાં કોઈ વિઘ્ન ઉભું કરાયું નથી.
