કોરોનાનું સંકટ વધતા દરેક દેશોએ લોકડાઉન જાહેર કર્યું છે. જેના કારણે કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ, લોકો પાસે બે ટંકનું ભોજન કરવા કોઈ વ્યવસ્થા નથી. તેઓ ખુબ જ મુશ્કેલીમાં તેમનું જીવન વ્યતીત કરી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં પ્રત્યેક પાંચમાંથી ચાર મજૂરો લોકડાઉનના કારણે પ્રભાવિત છે. ઉપરાંત પહેલા કરતા પણ વધારે ભૂખમરાની સ્થિતિમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લોકડાઉનના કારણે કોઈ કામ ન મળવાથી તેમનું જીવન વધુ કઠિન થઈ રહ્યું છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO)ના અહેવાલ અનુસાર, સમગ્ર વિશ્વના કામદારોમાં પ્રત્યેક પાંચમાંથી ચાર મજૂર લોકડાઉનમાં કામ મળતું બંધ થવાથી પ્રભાવિત છે. આવા લોકોનો કુલ આંકડો આશરે 330 કરોડ જેવો છે. આર્જેન્ટિનાની સ્થિતિ પહેલેથી જ ખરાબ છે. ત્યાં 4.4 કરોડની વસ્તીમાં એક તૃતીયાંશ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે. મહામારી પહેલા ત્યાં 80 લાખ લોકો ભોજન માટે મદદ માંગતા હતા અને હાલ તેમાં વધુ 30 લાખ લોકો ઉમેરાયા છે.

મિસ્રમાં સ્થિતિ સૌથી ગંભીર
દેશની સત્તાવાર સ્ટેટિસ્ટિક્સ એજન્સીના અહેવાલ પ્રમાણે રાજધાની કાહિરામાં બે કરોડ લોકો પ્રભાવિત છે. કારણ કે, તેમના રોજગાર બંધ થઈ ગયા છે, તેમણે નોકરીઓ ગુમાવી દીધી છે અને પોતાના ઘરે પરત જવા મજબૂર થવું પડ્યું છે. મિસ્ત્રમાં લોકો દરરોજ આશરે 100 રૂપિયામાં દિવસ કાઢવા મજબૂર બન્યા છે. ત્યાંના છ % લોકો અત્યંત ગરીબાઈમાં જીવી રહ્યા છે. જો કે, સરકારે ગરીબ લોકોનો જીવ બચાવવા દર મહીને 2,200 રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.
