એક તરફ કોરોનાનો સંકટ ચાલી રહ્યો છે. જ્યારે, બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે પાણીની સમસ્યાના કારણે પશુઓને ઘાસચારાની અને લોકોને પાણીની કોઈ સમસ્યા પેદા ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વાર આજે બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરીયાતો પુરી થાય તે માટે ગ્રામ્ય સ્તરે આગામી 20 મી મે થી નર્મદાના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તે ઉપરાંત ગ્રામ્ય સ્તરે પાણી મળી રહે તે માટે સિંચાઇ વિભાગની માંગણીના આધારે આગામી તા.20 મી મે થી નર્મદાના નીર દ્વારા આ તળાવો ભરાશે જેમાં ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજનાની પાઇપલાઇન સાથે જોડાયેલા 550 તળાવો ભરવા માટે 10,464 એમ.સી.એફ.ટી. પાણી છોડાશે અને આગામી સમયમાં પણ જેમ જરૂરીયાત ઉભી થશે એ મુજબ પણ પાણી આપવાનું અમારૂ આયોજન છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગ્રામ્ય સ્તરે પાણી પહોંચે તે માટે સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પણ તા. 20 મી મે થી નર્મદાના નીર દ્વારા ભરવામાં આવશે. જેમાં લીંક-1 દ્વારા 16 તળાવો, ચેકડેમો, લીંક-2 દ્વારા 6 જળાશય અને 293 તળાવો ચેકડેમો, લીંક-3 માં 6 જળાશયો અને 53 તળાવો ચેકડેમો, લીંક-4 માં 15 જળાશયો અને 185 તળાવો ચેકડેમ મળી અંદાજે કુલ-27 જળાશયો અને 547 ચેકડેમો તથા તળાવો ભરવામાં આવશે.
આ પણ વાંચો : મંત્રીઓના કાર્યથી CM રૂપાણી નાખુશ, ફરજીયાત 3 દિવસ આ કાર્ય કરવાનો આપ્યો આદેશ

તેમણે ઉમેર્યુ કે, કચ્છમાં પણ ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરીયાત મુજબ જેટલા પાણીની જરૂર હશે એટલું પાણી નર્મદા નિગમ દ્વારા પુરૂ પાડવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતીમાં લોકડાઉનને કારણે પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે પશુદિઠ દૈનિક રૂ. 25 સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતી વધુ લંબાવાતા આ મે મહિનામાં પણ પશુઓ-અબોલ જીવોને ઘાસચારો મળી રહે તે માટેની સંવેદના દર્શાવી આ સહાય મે-મહિનામાં પણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
