રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં તમને જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી 3,071 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 3000ને પાર પહોંચી ગયો છે.

જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રાજ્યના કુલ 30 જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે. ભાવનગર, ખેડા પાટણમાં નવા 1-1 કેસ નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ગઈકાલે પ્રથમ કેસ નોંધાયો હતો. હાલ રાજ્યમાં 2,656 કેસ એક્ટિવ છે. જેમની સારવાર ચાલુ છે અને 30 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ 133 લોકોના મોત નીપજ્યા છે. તે ઉપરાંત જયંતિ રવિએ અન્ય દેશોની તુલનામાં ગુજરાતની સ્થિતિને સારી કહી છે.
આ પણ વાંચો : ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ અંગે થઈ અગત્યની જાહેરાત, આ સમયે આવી શકે છે રિઝલ્ટ
તેમના જણાવ્યા અનુસાર, ઇટાલી અને સ્પેનની વસ્તી ગુજરાત જેટલી છે અને તેમની સરખામણીએ ગુજરાતની સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે સરકારે પહેલેથી જ પુરતી તકેદારી રાખી છે. દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણો ફાયદો થયો છે. જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં દવાનો પણ પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. N-95 માસ્ક અને PPE કિટનો પણ પૂરતો જથ્થો છે. કોરોનાના દર્દીઓ માટે રાજ્યમાં કુલ 22 હજારથી વધુ બેડની સુવિધા છે. તે ઉપરાંત, 4 કોવિડ હોસ્પિટલ મેટ્રો સિટીમાં તૈયાર કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કુલ 61 કોવિડ હોસ્પિટલ હાલ કાર્યરત છે. તે ઉપરાંત હવે કોરોના વાયરસના દર્દીઓની ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અપાઈ રહી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ માટે 21 સ્થળોએ સુવિધા છે.
