ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સદંતર વધતો જાય છે. હાલ, રાજ્યમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 13 હજારને પાર પહોંચી છે. ત્યારે, ગુજરાત સરકાર દ્વારા સતત રિકવરી રેટમાં સુધારો થઇ રહ્યાનો દાવો કરી રહી છે. ગુજરાત રિકવરી રેટના મામલે અન્ય રાજ્યોની સરખામણીમાં 13માં સ્થાને છે. ગુજરાતમાં 22 મેની સ્થિતિએ કુલ 13273 કેસમાંથી 5880 દર્દીઓ સાજા થયા છે. જેના અનુસાર ગુજરાતનો રિકવરી રેટ 42.51 % થઇ ગયો છે.

હા, ગુજરાતમાં અગાઉની સરખામણીએ રિકવરી રેટમાં જરૂર સુધારો થયો છે. પરંતુ, આ રિકવરી રેટ કોરોનાને હરાવવામાં કાર્યક્ષમ નથી. કારણ કે, સૌથી સારો રિકવરી રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત 13 માં નંબર પર સ્થિત છે. 22 મેની સ્થિતિ અનુસાર સૌથી આગળ પંજાબ 89.69 ટકા રિકવરી રેટ સાથે છે. રિકવરી રેટના મામલે કેરળ 73.91 ટકા સાથે બીજા સ્થાને છે. તે ઉપરાંત, હરિયાણા આ યાદીમાં 66.05 ટકા સાથે ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો : ભારતના આ શહેરે 100% રિકવરી રેટ સાથે મેળવ્યો કોરોના સામે વિજય, આટલા લોકો થયા સાજા

આ યાદીમાં 42.51 % સાથે ગુજરાત 13માં સ્થાને સ્થિત છે. કોરોનાના કેસ ઉપરાંત રિકવરી રેટમાં તામિલનાડુ પણ ગુજરાત કરતા આગળ છે. ત્યાં, કુલ 14753 કેસમાંથી 7128 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. તે અનુસાર, ત્યાંનો રિકવરી રેટ 44.98 % છે. તે સાથે સમગ્ર દેશમાંથી 1.25 લાખ કેસમાંથી 51836 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. અને રિકવરી રેટ 41.43 ટકા નોંધાયો છે.
