વડોદરામાં બુધવાર સાંજ સુધીમાં કોરોનાના કુલ 305 પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાંથી 60 ટકા કેસ એસિમ્પ્ટોમેટિક છે. એટલે કે, દર્દીમાં કોરોના વાયરસ હોય પરંતુ લક્ષણ જોવા ન મળે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલે કહ્યું હતું કે, ‘વડોદરામાં 305 માંથી 180 કેસ એસિમ્પ્ટોમેટિક છે. તેમાંથી 90 ને તો ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે. આ પ્રકારના દર્દીમાં કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ તો કરી લે છે પરંતુ દર્દીમાં કોઈ લક્ષણ જોવા મળતા નથી.

એસિમ્પ્ટોમેટિક શા માટે વધુ ખતરનાક
સાયલન્ટ કેરિયર પોતે પણ જાણતો નથી હોતો કે તે કોરોના પોઝિટવ છે અને અન્ય લોકોને ચેપ ફેલાતો રહે છે. આ પ્રકારના વ્યક્તિ તેની અસપાસના લોકો માટે ખતરનાક સાબિત થાય છે. નિષ્ણાંત ડોક્ટરોનું કહેવું છે કે, એસિમ્પ્ટોમેટિક કોરોના પોઝિટિવ વ્યક્તિ સાયલન્ટ કેરિયર અથવા તો સાયલન્ટ સ્પ્રેડર કે હેલ્ધિ કેરિયર તરીકે ઓળખાય છે. જેમને કોઇ લક્ષણો જ નથી તે વ્યક્તિને પોતાને પણ ખબર નથી હોતી કે તેને સંક્રમણ લાગી ચુક્યુ છે. આ વ્યક્તિ તેના ઘર પરિવારના સભ્યો સાથે સંપર્કમાં રહે છે. ઘરની બહાર જાય ત્યારે અન્ય લોકોને ચેપ લગાવે છે. આવા સાયલન્ટ કેરિયરથી બચવાનો કોઇ ઉપાય નથી પરંતુ સરકારે આ માટે કોરોનમા ટેસ્ટની સંખ્યા વધારવી પડશે અને લોકોએ પોતાની જાતે સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે.
આ પણ વાંચો : શું કોરોના વાયરસના સંક્રમને રોકવા દરેક વ્યક્તિની તપાસ જરૂરી છે ? WHOએ કરી સ્પષ્ટતા

દર્દીઓના ચાર પ્રકાર
- સિમ્પ્ટોમેટિક : એવા દર્દીઓ જેમાં કફ, શરદી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે
- પ્રિસિમ્પ્ટોમેટિક : એવા દર્દીઓ કે તેમનો ટેસ્ટ જ્યારે પોઝિટિવ આવે ત્યારે લક્ષણો નથી હોતા પરંતુ બે ત્રણ દિવસમાં લક્ષણો જોવા મળે છે
- એટિપિકલ સિમ્પ્ટોમેટિક : એવા દર્દીઓ કે જેમાં સામાન્ય લક્ષણો દેખાય છે અને થોડા દિવસમાં ગાયબ પણ થઇ જાય છે
- એસિમ્પ્ટોમેટિક : એવા દર્દીઓ કે જેમાં ચેપ લાગ્યાના ૧૪ દિવસ સુધી કોઇ લક્ષણો દેખાતા નથી.

એસિમ્પ્ટોમેટિકનું કારણ મજબુત રોગપ્રતિકારક શક્તિ
આ અંગે વાત કરતા નિષ્ણાત ડોક્ટરોએ કહ્યું હતું કે, જે વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે તેવા વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાતા નથી. આવા કેસમાં તેની રોગપ્રતિકારક શક્તિ જ દવા તરીકે કામ કરે છે અને શરીરમાં પ્રવેશેલા વાઇરસને ખતમ કરી નાખે છે.
