વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉનના સમયને વધાર્યો છે. તે ઉપરાંત, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હીટ વેવની આગાહી કરી છે. સુરતમાં આજે આગામી દિવસ કરતા એક ડિગ્રી તાપમાન ઓછું હોવા છતાં પણ અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
આ પણ વાંચો : આ વર્ષે ચોમાસુ રહેશે સામાન્ય, આ તારીખથી વરસાદ દેશે દસ્તક

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ગત બે દિવસથી શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આજે શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થયો પરંતુ, કોઈ ખાસ રાહતનો અનુભવ થયો નથી. આજનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

શહેરમાં આજે વહેલી સવારે હવામાં ૭૫ ટકા ભેજ નોંધાયો હતો તે બપોર સુધીમાં ઘટીને 31 ટકા થયો હતો. તે ઉપરાંત, બપોરે સાત કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે કરેલી હિટ વેવની આગાહી અનુસાર મહત્તમ તાપમાનનો પારો ફરી 41 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના જોવા મળી રહી છે.
