હાલમાં સુરત શહેરમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ખૂબ જ ઝડપી વધારો થઇ રહ્યો છે. જેને કારણે તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જે વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવે ત્યારે તપાસ શરુ કરવામાં આવે છે કે, તે કોના કોના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવે છે. રવિવારના રોજ સુરતમાં સવારે 16 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં વરાછા વિસ્તારના બે પોઝીટીવ કેસ મળ્યા હતા. જેમાંના એક 38 વર્ષના પુરૂષ સિરાજ સૈયદ જેઓ બોમ્બે માર્કેટની સામે ગણેશનગર પાસે ફુટપાથ પર રહે છે. તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમને છેલ્લા કેટલાક દિવસથી શરદી અને ખાંસીની તકલીફ હતી જેથી તેઓ જાતે જ 18 એપ્રિલે સ્મીમેરમાં ટેસ્ટ કરાવવા પહોંચ્યા હતા. તેમના ટેસ્ટનું પરિણામમાં કોરોના પોઝિટિવ આવતા તેમને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સુરતના બે નાના બાળકોમાં કોરોના પોઝિટિવ, પરંતુ, ડર નેગેટિવ, લોકોમાં કરુણા સાથે આશ્ચર્યચકિત
વરાછાના એક વ્યક્તિ ટેસ્ટ આપીને ગયા પરંતુ હવે મળી રહ્યા નથી
રવિવારે નોઁધાયેલા પોઝીટીવ કેસમાં અન્ય એક વરાછામાં પાટીચલ પાસે રહેતા 19 વર્ષના યુવક મો.ઈમરાન મો.જમુસુની કે જેઓ પણ 18 એપ્રિલે સ્મીમેરમાં ટેસ્ટ કરાવવા માટે આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ હવે તેઓ મળી રહ્યા નથી. SMC દ્વારા જે પણ કોમ્યુનીટી સેમ્પલ લેવામાં આવે છે તેની સાથે દરેક વિગત પણ લખવામાં આવે છે જેથી તેમનો સંપર્ક થઇ શકે. આ વ્યક્તિ ટેસ્ટ માટે સેમ્પલ તો આપી ગયા પરંતુ, હવે તેમનો સંપર્ક થઇ રહ્યો નથી. SMC દ્વારા તેમને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
