કોરોના વાયરસના કેસમાં થતા વધારાના કારણે લોકડાઉનને લંબાવામાં આવ્યું છે. જેમાં, રાજ્યમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયનું બધું જ બંધ રાખવામાં આવશે. તે ઉપરાંત સરકાર સતત પોતાના આરોગ્યની કાળજી રાખવા અને નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવા માટે સતત અપીલ કરી રહી છે.

તે વચ્ચે રાજકોટની પારડી ગામમાં આવેલી શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળાએ ધોરણ 1થી 8ના 100 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યાં હતાં. આ વાતની જાણ સાથે મીડિયા ત્યાં પહોંચતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. આ અંગે શાળાનાં શિક્ષકો કે આચાર્ય કઈ પણ કહેવા તૈયાર થયા નથી. એક માહિતી અનુસાર તેમને પ્રશ્નપત્રો લેવા બોલાવ્યા હતા જેના કારણે તેઓ ઘરે પોતાનું સ્વ-મૂલ્યાંકન કરી શકે.
આ પણ વાંચો : કોરોના વાયરસથી સારા દર્દીઓના લોહીનું ઇન્ટરનેટ પર આટલી કિંમતમાં વેચાણ

શાળાના આ કાર્યથી જિલ્લા શિક્ષણ અધિકારી એમ. જે. વ્યાસે તપાસનો આદેશ આપ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે કહ્યું કે, અમે શાળા શરૂ કરવાનાં કોઇ આદેશ આપ્યાં નથી. શાળાને નોટિસ મોકલીને ખુલાસો માંગવામાં આવશે. રાજકોટની આ શાળામાં આવેલા 100 જેટલા વિદ્યાર્થીઓએ તો મોં પર માસ્ક બાંધીને આવ્યાં હતા પરંતુ, વિધાર્થીઓને ભણાવનાર શિક્ષકોમાં કોરોના અંગે ગંભીરતા જોવા મળી નહોતી. શિક્ષકો કોઈપણ પ્રકારના સુરક્ષા વગર જ વિધાર્થીઓને ભણાવી રહ્યા હતા. જેમાં, તેમને ન તો મોં પર માસ્ક પહેર્યો હતો ન તો હાથમાં ગ્લોવ્ઝ પહેર્યા હતાં.
