કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં દરેક પ્રકારના નોકરી ધંધાતો બંધ છે તે ઉપરાંત,લોકડાઉનના કારણે આગામી શૈક્ષણિક સત્ર માટે સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓને ડિજીટલ શિક્ષણ આપવાની પહેલ શરુ કરી છે. જો કોરોનાના કારણે શૈક્ષણિક સત્ર મોડું શરુ થાય તો પણ સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને એકલવ્ય એપ્લીકેશનની મદદથી ઓનલાઇન શિક્ષણ આપવાનું રહેશે. જેમાં, કુલ દોઢ લાખ વિદ્યાર્થી પૈકી 26,000 વિદ્યાર્થીઓએ એપ્લીકેશન ડાઉનલોડ કરી અભ્યાસ પણ શરુ કરી દીધો છે.

સુરતમાં કોરોનાના કારણે ઘણા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હાલમાં પણ કોરોનાનો વ્યાપ વધતો જતો હોવાના કારણે આગામી સત્ર શરુ થવાની કોઈ તારીખ નક્કી નથી. માટે, શિક્ષણ સમિતિએ શિક્ષક દિન નિમિતે લોન્ચ કરેલી એકલવ્ય એપ્લીકેશન દ્વારા ઓનલાઇન અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે. અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ હતું, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ૭ ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપે છે. આ એપ્લીકેશન દ્વારા સાતેય ભાષામાં ધોરણ-1થી 8ના દરેક વિષયનો અભ્યાસક્રમ મૂકી દેવામાં આવ્યો છે. આ એપ્લિકેશન દ્વારા પુસ્તક, અભ્યાસક્રમ અંગેની તમામ માહિતી મળી જશે. જેના દ્વારા 7 ભાષામાં ઓનલાઇન અભ્યાસ કરાવતી દેશની પ્રથમ શિક્ષણ સમિતિ બનશે.

શિક્ષકો તેમના કલાસના દરેક વિધાર્થીઓના વાલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવશે. તે માટે અલગ અલગ ગ્રુપ બનાવામાં આવ્યા છે. તે ઉપરાંત તેઓ એપ્લિકેશનનો બરાબર ઉપયોગ કરી શકે છે કે નહિ તેની ચકાશણી પણ કરવામાં આવશે. એક માહિતી અનુસાર, 80 % વિધાર્થીઓના વાલીઓ પાસે સ્માર્ટફોન હોવાના કારણે ઓનલાઇન અભ્યાસમાં સરળતા રહેશે. તે ઉપરાંત વિધાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે આગામી વર્ષના પ્રશ્નપત્રો પણ એપમાં મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કોરોના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા આટલો આવે છે ખર્ચ…
શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા જ થયું એપ્લીકેશનનું નિર્માણ
આ એકલવ્ય એપ્લીકેશન કોઈ મોટી કંપની દ્વારા નહિ પરંતુ સમિતિના શિક્ષકો દ્વારા બનાવામાં આવી છે. જેમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ, તેલુગુ અને અંગ્રેજી ભાષાનો સમાવેશ થયો છે.
