સમગ્ર ભારતમાં લોકડાઉનના કારણે દરેક પ્રકારના નોકરી ધંધા બંધ છે. લોકડાઉનની જાહેરાતના બે-ત્રણ દિવસ પહેલાથી જ ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં સરકારે પાન-મસાલાની દુકાનો બંધ કરાવી દીધી હતી. ત્યારથી લઈને આજ સુધીમાં ગુજરાતમાં તમાકુંના બેફામ કાળાબજાર થઈ રહ્યા છે. ગુજરાતમાં હવે દારૂની માફક તમાકું અને તેની બનાવટોનું વેચાણ થઈ રહ્યું છે. એક માહિતી અનુસાર, સામાન્ય દિવસોમાં સાડા ચાર હજાર રૂપિયાની કિલો વેચાતી મસાલા(માવા)ની તમાકુંના ભાવ અત્યારે રૂ.18થી ર0 હજાર લેવામાં આવી રહ્યા છે.

લોકડાઉનમાં તમાકું પર પ્રતિબંધ મુકાયા બાદ લોકો સાથે ઉઘાડી લૂંટ શરૂ થઈ છે અને સરકારી તિજોરીને જીએસટીની આવકનો મોટો ફટકો પડયો છે. તેમાં અમુક જગ્યાએ દારૂની માફક હપ્તાખોરીના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, પ્રતિબંધમાં પણ ગુજરાતમાં આજે પણ એટલી જ તમાકું ચવાય છે તથા બીડી-સિગારેટ ફૂંકાય છે. માત્ર પાંચ-સાત ટકા લોકોએ અને તે પણ હંગામી ધોરણે વ્યસન છોડયા છે, બાકી કોઈ ફરક પડયો નથી. પહેલા જે લોકો તમાકુંના વ્યસન પાછળ દરરોજના રૂ.40થી પ0નો ખર્ચ કરતા હતા તેને આજે 90થી 100 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

અમુક લોકોનું માનવું છે કે, પાન-મસાલાપર પ્રતિબંધથી સરકાર કાળા બજારીયાઓને પ્રોત્સાહન આપી પોતાના પગ(જીએસટીની આવક પર) પર જ કુહાડો મારે છે. બીજી તરફ બહાર આવતી એક ગંભીર હકીકત અનુસાર અમુક તત્વોએ નકલી અને જોખમી તમાકુંનું સસ્તા ભાવે વેચાણ શરૂ કર્યું છે. ચાંદીની વરખના બદલે નકલી તમાકુંમાં એલ્યુમિનિયમની વરખ હોય છે. જે સાત-આઠ માસમાં કેન્સર નોતરે છે. એટલે નકલી તમાકું ખાઈને લોકોના સ્વાસ્થ્ય સાથે વધારે ચેડાં થઈ રહ્યા છે. ઘણા લોકો માનસિક તનાવ, બેચેની, અનિંદ્રા, કબજીયાત વગેરેનો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારની બ્લુ પ્રિન્ટ, જાણો લોકડાઉન પછી કયા ધંધાઓ ખુલશે અને કયા નહિ ?
શું નુકશાની થઈ?
- વ્યસની લોકો અન્ય માનસિક અને શારીરિક બિમારીઓનો ભોગ બની રહ્યા છે
- હજારો નાના દુકાનદારો બેકારીમાં સપડાઈ ગયા
- પોલીસ માટે ભ્રષ્ટાચારનો નવો માર્ગ પેદા થયો, કાળાબજારનું દુષણ વધ્યું
- નકલી અને વધારે નુકશાની કરતી તમાકું બનાવતા તત્વોને પ્રોત્સાહન મળે છે
- સરકારને પણ જીએસટીની કરોડો રૂપિયાની આવકનો ફટકો
