સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાતો જાય છે આ સમયે ઘણા લોકો અને સમાજ સેવાનું કાર્ય કરતી સંસ્થાઓ દ્વારા આ મહામારી સામે લડવા માટે નાણાકીય સહાય પુરી પાડવામાં આવી રહી છે. વર્લ્ડ બેંકે પણ ભારતમાં કોરોના સામે લડવા માટે 1 અબજ ડોલરની સહાય આપવાનું જાહેર કર્યું છે. વર્લ્ડ બેંકની સહાયતા યોજના હેઠળ 1.9 અબજ ડૉલરની સહાય કરવામાં આવશે અને પહેલા સેટમાં 25 દેશોની મદદ કરવામાં આવશે.

દુનિયાના વિકાસશીલ દેશો માટે કટોકટી સહાયતા
વર્લ્ડ બેંક દ્વારા નાણાકીય સહાયતાનો મોટો ભાગ ભારતને આપવામાં આવશે. તે અંતર્ગત એક અબજ ડોલર આપવામાં આવશે. વર્લ્ડ બેંકનાં કાર્યકારી નિર્દેશકોનાં મંડળે દુનિયાભરનાં વિકાસશીલ દેશો માટે કટોકટી સહાયતાનાં પહેલા સેટને મંજૂર આપી દીધી ત્યારબાદ વર્લ્ડ બેંકે કહ્યું કે, “ભારતને એક અબજની ઇમરજન્સી સહાયતાથી સારી સ્ક્રીનિંગ, સંપર્કોની તપાસ કરવી, લેબોરેટરી સ્થાપિત કરવી, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો ખરીદવા અને નવા આઇસોલેશન વૉર્ડ બનાવવામાં મદદ મળશે.”
આ પણ વાંચો : આ દેશે લોકોને બહાર નીકળવા પર નહિ પરંતુ, કોરોના વાયરસ શબ્દ પર જ લગાવી પાબંધી…
પાકિસ્તાનને પણ મળશે 20 કરોડ ડૉલરની સહાય
વર્લ્ડ બેંકે પાકિસ્તાન માટે 20 કરોડ ડૉલર, અફઘાનિસ્તાન માટે 10 કરોડ ડૉલર, માલદીવ માટે 73 લાખ ડૉલર અને શ્રીલંકા માટે 12.86 કરોડ ડૉલરની સહાયતાને મંજૂરી આપી છે. વર્લ્ડ બેંકે એ પણ કહ્યું કે, તેણે વૈશ્વિક મહામારીનાં પ્રભાવને પહોંચી વળવા માટે 15 મહિનાનાં હિસાબે 160 અબજ ડૉલરની ઇમરજન્સી સહાયને મંજૂરી આપી છે.
