સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધી સુરતમાં કોરોનાના 1442 કેસ નોંધાયા છે જેમાંથી 64 લોકોના મોત થયા છે અને 1009 લોકો સારા થઇ ઘરે ગયા છે જયારે છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પાલિકાના રેકર્ડ વિભાગના કર્મચારી, હેલ્થ સેન્ટરના વોચમેન, પ્રોપર્ટી બ્રોકર અને આઈટીઆઈના નિવૃત્ત શિક્ષક તેમજ શાકભાજી વિક્રેતા, ટેલર, કપડાનો દુકાનદાર તેમજ ચા-નાસ્તાની દુકાનવાળાઓનો સમાવેશ થયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ ક્યા કયા ફેલાયું છે તેની ચેઈન પકડવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે. સુરત શહેરમાં સુપર સ્પ્રેડરો મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જેથી તંત્રની ચિંતા પણ વધી રહી છે.
સુપર સ્પ્રેડરોને પકડવા તંત્ર દ્વારા કામગીરી

સુપરસ્પ્રેડરોને શોધવા મનપા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં પાલિકા દ્વારા 1175 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 73 જેટલા સુપર સ્પ્રેડર મળી આવ્યા છે. શહેરમાં કોરોનાનો ઝડપથી ફેલાવા માટે જવાબદાર એવા સુપર સ્પ્રડોર પર વોચ રાખી વ્યાપક પ્રમાણમાં તેનાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. જો કે, આ એ સુપર સ્પ્રેડરો છે, જે વ્યવસાયને આવશ્યક માની છૂટછાટ આપવામાં આવી હતી.
સુપર સ્પ્રેડરો એટલે શું ?

સુપર સ્પ્રેડરો એટલે કે, એવા લોકો કે જેનાથી કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાય છે. જેવા કે, શાકભાજી, ફ્રુટનુ વેચાણ કરનારાઓ, મેડીકલ દુકાનાવાળા, કરીયાણાની દુકાનવાળા, ડેરીવાળા કે જેઓની દુકાનો લોકડાઉનમાં પણ ચાલુ હતી. જેના સંપર્કમાં વધુમાં વધુ લોકો આવતા હોવાથી તેમના દ્વારા મોટા પ્રમાણમાં કોરોના ફેલાઈ શકે છે. જયારે હવે લોકડાઉન-4માં જે છૂટછાટ મળી છે તેમાં હવે અન્ય ધંધાર્થીઓને પણ આ યાદીમાં સમાવવા પડે તેમ છે.
સુરતમાં સુપર સ્પ્રેડરોના 73 કેસ મળ્યા
સુરતમાં સુપર સ્પ્રેડરોના 73 જ કેસ મળતા હાલ પાલિકાને થોડી રાહત થઈ છે. પાલિકા દ્વારા રેમ્ડમલી ચેકિંગ કર્યું હતું. જેમાંથી શાકભાજી-ફ્રુટના વેચાણ કરતા 550 લોકોનો ટેસ્ટ કર્યો હતો. જેમાંથી 43 લોકો પોઝિટિવ મળ્યા હતા. જ્યારે ડેરીના સંચાલકો 11 અને કરિયાણાની દુકાન ધરાવતા 18 અને હેર સૂલન ચલાવતા એક મળી કુલ 73 લોકો સુપર સ્પ્રેડર મળી આવ્યા છે. ત્યારે આની સરખામણીમાં અમદાવાદમાં સુપર સ્પ્રેડરોની સંખ્યા ખુબ જ વધુ છે.
આ પણ વાંચો : સુરતના આ વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર થયો એસિડ હુમલો
