કોરોના વાઈરસના કારણે ભારતીય અર્થતંત્રને થયેલું નુકશાન સરભર કરવામાં ઓછામાં ઓછા 15 વર્ષ લાગી જશે તેવો મહત્વનો રિપોર્ટ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેન્ક દ્વારા રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે મધ્યમ ગાળામાં 6.5થી 8.5નો કાયમી વિકાસદરને હાંસલ કરવા માટે માળખાગત સુધારા અને આવશ્યક સહિતની ચીજવસ્તુઓના ભાવોમાં સ્થિરતા જાળવવાનું અત્યંત જરુરી છે.
નાણાંકીય અને રાજકીય આર્થિક નીતિ વચ્ચે નિયમિત રીતે સંતુલન જાળવવાનાં સંજોગોમાં જ વૃધ્ધિ દર સ્થિર રાખવાની દિશામાં પ્રથમ કદમ ગણાશે. 2020-21માં વિકાસદર -6.6 ટકા અને 2021-22માં વૃધ્ધિ દર 8.9 ટકા રહ્યો હતો. 2022-23માં 7.2 ટકા અને ત્યારબાદ 7.5 ટકા રહી શકે છે. કોરોનાના કારણે દેશને જેટલી આર્થિક નુકશાની થઇ છે તેમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવામાં 2034-35 થઇ જશે. અર્થાત 15 વર્ષ લાગી જવાની શક્યતા છે.

કોરોનાના પડકારમાંથી બહાર નીકળવાનાં પ્રયાસો વચ્ચે રશિયા-યુક્રેન યુધ્ધને કારણે પણ અર્થતંત્રને પાટા પર પાછુ ચડાવવાની ગતિ ધીમી પાડી દીધી છે. યુધ્ધને કારણે કોમોડીટીઝના ભાવ વધતા સમગ્ર વૈશ્વિક અર્થ તંત્ર ધીમુ પડી ગયું છે. નાણા ક્ષેત્રે આકરા પગલા લેવા જરુરી બનતા નવી મુશ્કેલીઓ પેદા થઇ છે.
આ સંજોગોમાં ભારતે મધ્યમ સમયગાળાના વિકાસદરને લક્ષમાં રાખીને માળખાગત અવરોધોને દૂર કરવા અને આર્થિક વૃધ્ધિ માટે નવી તકો સર્જવા નીતિ વિષયક પગલા લેવા પડે તેમ છે. સ્ટાર્ટઅપ અને યુનિકોન માટે અનુકુળ માહોલ ઉભો કરવા સબસીડીને તર્કસંગત બનાવવા આવાસ અને ભૌતિક માળખાઓમાં સુધારા કરી શહેરી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની ભલામણ કરી છે.
વધતી મોંઘવારીને કારણે ડિમાન્ડની સાથોસાથ વેચાણને પણ અસર કરી છે અને તેનો સીધો પ્રભાવ કોર સેક્ટર પર પડ્યો છે.માર્ચ મહિનામાં 8 કોર સેક્ટરની ગ્રોથ રેટ ધીમો પડી ગયો છે અને 4.3 ટકા નોંધાયો છે. મહત્વની વાત છે કે એક વર્ષ પૂર્વે ગત માર્ચમાં 8 કોર સેક્ટરનો ગ્રોથ રેટ 12.6 ટકા હતો ત્યારે ફેબ્રુઆરીમાં 6 ટકા હતો.
એનો અર્થ એવો થાય છે કે માસિક અને વાર્ષિક ધોરણે 8 કોર સેક્ટરના વિકાસદરમાં ઘટાડો નોંધાયો છે. કોલસા, ક્રૂડ તેલ, કુદરતી ગેસ, પેટ્રોલીયમ પેદાશ, ખાતર, લોખંડ, સિમેન્ટ અને વીજળી જેવા 8 કોર સેક્ટરનો વિકાસદર 4.3 ટકા જ રહ્યો છે. સમગ્ર નાણા વર્ષનો વિકાસદર 0.4 ટકા છે.