દુનિયામાં કોરોનાના સંક્રમણના કેસ દોઢ કરોડ સુધી પહોંચી ગયા છે અને આપણા દેશમાં પણ કોરોનાનો આંકડો 11 લાખને વટાવી ગયો છે. દુનિયાભરમાં કોરોનાથી મરનારની સંખ્યા છ લાખથી વધુની છે, જ્યારે ભારતમાં આ આંકડો 26000થી વધુનો છે.
કોરોનાની દવા શોધવાનું કામ ચાલી રહ્યું છે, તેવામાં એક્સપર્ટ્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આપણા દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. આઈસીએમઆર દ્વારા થોડા દિવસો પહેલા જ આ વાતની પુષ્ટિ આપવામાં આવી છે કે ભારત કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ફેઝમાં દાખલ થઈ ગયું છે અને જેના કારણે કેસની સંખ્યામાં વધારો જોવા મળી શકે તેમ છે.

કોમ્યુનિટી ટ્રાન્સમિશન શું છે
કોમ્યુનિટી ટ્રાન્સમિશ ત્યારે થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર અથવા તો કોઈ પણ વાયરસથી સંક્રમિત દેશની યાત્રા કર્યા વગર કોરોનાથી સંક્રમિત થાય, તો તે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. આને સંક્રમણનો ત્રીજો ફેઝ માનવામાં આવે છે. આ ફેઝમાં ઘણી મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.
કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં તમે કોરોનાથી સંક્રમિત છો કે નહીં તે ખબર પડતી નથી. માત્ર ટેસ્ટ કરાવો તો જ ખબર પડે છે.
કેવી રીતે થાય છે કોમ્યુનિટી ટ્રાન્સમિશન
આઈસીએમઆરના કહેવા પ્રમાણે કોરોના વાયરસ ફેલાવવાના ચાર ફેઝ છે. પહેલા ફેઝમાં એ લોકો સંક્રમિત થાય છે જે બીજા સંક્રમિત દેશમાં જઈને આવ્યા હોય. ભારતમાં આ ફેઝ પતી ગયો છે કારણ કે આવા લોકોને લીધે સ્થાનિક સ્તરે સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે.

બીજા ફેઝમાં સ્થાનિક લેવલ પર સંક્રમણ ફેલાય છે, આ ફેઝમાં એ લોકો સંક્રમિત થાય છે, જેઓ બીજા કોઈ સંક્રિમત દેશની મુસાફરી કરીને આવેલા લોકોના સંપર્કમાં આવ્યા હોય.
ત્રીજા ફેઝમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે. જેમાં તમને કંઈ રીતે કોરોનાનું સંક્રમણ થયું તેની ઓળખ થવી મુશ્કેલ થઈ જાય છે. આ ફેઝમાં તમે એવા કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં ન આવ્યા હોવ, જેને કોરોના થયો હોય છત્તાં તમે કોરોનાથી સંક્રમિત થાવ છો. અમેરિકામાં કોરોનાના ફેલાવાનું મુખ્ય કારણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન જ છે, કારણ કે વીસ લાખ સંક્રમિત લોકોમાંથી મોટાભાગના લોકોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
ચોથા ફેઝમાં આ રોગ મહામારીનું રૂપ લઈ લે છે, જે મોટા પાયે સ્થાનિક સ્તર પર નુકસાન કરી શકે છે.
