સુરત મહાપાલિકા શહેરના પ્રખ્યાત ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને 600 કરોડ રૂપિયાના ખર્ચે ઇકો ટુરિઝમ પાર્ક તરીકે વિકસાવાશે. જેમાં કુલ 340 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હોવાથી રાજ્ય સરકાર પાસે 100 કરોડ રૂપિયાની સહાય મેળવવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ છે. પ્રથમ તબક્કામાં દરિયાઇ તટ નજીકની સરકાર હસ્તકની 16.92 હેકટર અને જંગલ ખાતા હસ્તકની 23.07 હેકટર જમીન પર વિકાસ કામગીરી શરૂ કરાશે.

પાલિકાએ દેશ-વિદેશના પર્યટકોને આકર્ષવા ડુમસ સી-ફેસ ડેવલપ પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે. આ પ્રોજેક્ટ માટે પહેલા તબક્કામાં 340 કરોડના ખર્ચનો અંદાજ છે. ઇકો ટુરીઝમ પાર્ક સહિત સમગ્ર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે 600 કરોડ રૂપિયા પૈકી પ્રથમ ફેઝમાં 340 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. જેથી રાજ્ય સરકાર પાસેથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રાથમિક તબક્કે ગ્રાંટ પેટે 100 કરોડની નાણાકીય સહાય માંગવા ગુજરાત મ્યુ.ફા. બોર્ડને પત્ર લખવા માટે શાસકો સમક્ષ દરખાસ્ત રજુ કરાઇ છે.
કુલ 600 કરોડના ખર્ચે બીચનો વિકાસ કરાશે
ડુમસ દરિયા કિનારે આવતા પર્યટકો કુદરતી વાતાવરણ માણવાની સાથે ભૌગોલિક તેમજ મૂળભૂત સુવિધાઓ સાથે પિકનિકનો બહોળો આનંદ માણી શકે તે રીતે પાલિકા દરિયા કાંઠાનો વિકાસ કરશે. કુલ પ્રોજેક્ટ કોસ્ટ 600 કરોડ પૈકી પહેલા તબક્કામાં જ 340 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.