IPL-2022ની શરૂઆત પહેલા ચેન્નાઈની ટીમ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા માટે આવશે. ચેન્નઈ સુપર કિંગ સુરત પહોંચ્યા બાદ 6 માર્ચ સુધી ટીમ સેલ્ફ ક્વોરન્ટાઇન રહેશે અને ત્યારબાદ બાયો બબલમાં સવારે 11થી 3 જિમ એક્ટિવિટી કરશે અને ત્યારબાદ સાંજે 5થી રાત્રે 10 વાગ્યા દરમિયાન ફ્લડ લાઇટમાં 21 માર્ચ સુધી નેટ પ્રેક્ટિસની સાથે સાથે ટીમ બનાવીને અભ્યાસ મેચ રમશે. જોકે, બાયો બબલ હોવાથી કોઈપણ વ્યક્તિ મેદાનમાં જઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, IPLની લીગ મેચો મુંબઈના મેદાન પર રમાશે.
ચેન્નાઈની ટીમે સુરતમાં પણ પીચ લાલ હોવાથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પસંદગી કરી છે. એસડીસીએના ક્રિકેટ સેક્રેટરી નૈમેશ દેસાઈએ જણાવ્યું હતું કે, મુશ્તાક અલી સહિતની કેટલીક ટૂર્નામેન્ટ આપણે ત્યાં રમાઈ ચુકી છે. એ ટૂર્નામેન્ટના ઘણા બધા ખેલાડીઓ ચેન્નાઈની ટીમમાં છે.
ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને મળેલી સુવિધાથી તેઓ ખૂબ જ સંતુષ્ટ હતા. એક કારણ એ પણ હતું કે, જેના લીધે ચેન્નાઇની ટીમે સુરતની પસંદગી કરી છે.

ખેલાડીઓ માટે જાણો કેવી સુવિધા ઊભી કરાશે
ખેલાડીને કોરોનનો ચેપ ન લાગે તે માટે નેટ બોલર પણ ટીમ પોતાના જ લાવશે. બસ-ગુડ્સ કેરિયર પણ તેઓ સાથે લાવશે. ઈજા બાદ બાયો બબલમાં હોસ્પિટલ પહોંચી શકાય તે માટે હોસ્પિ. સુધી ગ્રીન કોરિડોર બનાવાશે.ટીમનું એડશૂટ પણ હોટેલમાં જ થશે. મુખ્ય ગ્રાઉન્ડ પર બે પિચ અપાશે. 1 એમ્બ્યુલન્સ કામય ઊભી રહેશે. બોલિંગ મશીન પણ અપાશે. લાલ માટીની પિચ બનાવવા એક વર્ષ પહેલા 10 લાખની માટી મુંબઈથી લવાઈ હતી. 50 બાઉન્સર્સ-પોલીસ સુરક્ષા આપશે.
50થી વધુ લોકોનો સ્ટાફ ક્વોરન્ટાઇન થઈ જશે
26 તારીખથી હોટેલનો 50થી વધુ લોકોનો સ્ટાફ ક્વોરન્ટાઇન થઈ જશે. હોટેલથી ગ્રાઉન્ડ સુધી ખેલાડીઓને પોલીસની ટીમ સ્કવોડ કરશે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત હશે સાથે ગ્રાઉન્ડ ઉપર બેરિકેડિંગ કરાશે. ખેલાડીઓ હોટેલમાં જ ઇન્ડોર ગેમ્સ રમી શકશે. તેઓ પણ બહાર નહીં જઈ શકશે. પહેલીવાર કોઈ મોટી ટીમ 21 દિવસ સુધી સુરતમાં રહેશે.