એવન્યુ સુપરમાર્ટના સ્થાપક રાધાકિશન દમાની વ્યક્તિગત ધોરણે ભારતના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. શુક્રવારે ડી-માર્ટના શેરમાં મોટી ઉછાળા બાદ રાધાકિશન દમાનીની કુલ સંપત્તિમાં ભારે વધારો થયો છે. શેરબજારમાં ડી-માર્ટના શેરમાં આવેલા ઉછાળા બાદ દમાનીની કુલ સંપત્તિ વધીને 13.30 અબજ ડોલર (લગભગ 952.79 અબજ રૂપિયા) થઈ ગઈ છે.

ભારતના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં દમાનીની આગળ આ સૂચિમાં લક્ષ્મી મિત્તલ 13.10 અબજ ડોલર, ગૌતમ અદાણી 10.3 અબજ ડોલર અને સુનિલ મિત્તલ 9.62 અબજ ડોલર સંપત્તિ સાથે છે.
2.88 ટકા હિસ્સો વેચશે પ્રમોટરો
13 ફેબ્રુઆરીએ એવન્યુ સુપરમાર્ટના શેર રૂ. 2,559 પર રહ્યા. ગુરુવારે કંપનીએ માહિતી આપી હતી કે, પ્રમોટરો તમનો 2.28 ટકા હિસ્સો ઑફર ટૂ સેલ (ઓએફએસ) દ્વારા વેચશે. તેમાંથી 3,032.5 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના છે.

2017 માં કંપની લિસ્ટ થઈ હતી
કંપનીએ આપેલી માહિતી અનુસાર, પ્રમોટરો રાધાકિશન દમાણી, ગોપીકિશન દમાણી, શ્રીકાંતા દેવી દમાની અને કિરણ દેવી દમાની તેમના હિસ્સાની 1.48 ટકા ભાગીદારી વેચશે. આ માહિતી બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) દ્વારા ફાઇલિંગમાં આપવામાં આવી છે. નોન રિટેલ રોકાણકારો માટે OFS 14 ફેબ્રુઆરીએ ખુલશે, જ્યારે રિટેલ રોકાણકારો માટે તે 17 ફેબ્રુઆરીએ ખુલશે. આ કંપની 21 માર્ચ 2017 ના રોજ લિસ્ટ થઇ હતી.

તે સમયગાળા દરમિયાન કંપનીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 39,988 કરોડ રૂપિયા હતું, જે હવે વધીને રૂ. 1.60 લાખ કરોડ થયું છે, એવન્યુ સુપરમાર્ટ સૌથી વધુ ફાયદો કરનાર કરિયાણાની કંપની છે.
