અનલોક 5 જાહેર થયા બાદ ઓટોમોબાઇલ ક્ષેત્રે હવે ધીમે ધીમે ઘરાકી ખૂલવા લાગી છે. નવેમ્બર-ડિસેમ્બર એ તહેવારોના દિવસો છે. આ સિઝનમાં વેચાણમાં 20થી 25 ટકા સુધીનો સુધારો થાય તેવી ઓટો ડિલર્સની ધારણા છે. બીજીતરફ આ સંજોગોનો વધારેમાં વધારે ફાયદો મેળવી શકાય એ માટે વિવિધ કાર ઉત્પાદક કંપનીઓએ પણ ગ્રાહકોને આકર્ષવા કેશબેક અને એક્સચેંજ બોનસ સહિતના અનેક પ્રલોભનો જાહેર કરવા મથામણ કરી રહ્યા છે.
કાર ડિલર્સ સુત્રોનું કહેવું છે કે અનેક કાર ઉત્પાદકોએ ગુજરાતમાં તહેવારો માટે અલગ સ્ટોકનું ઉત્પાદન કરી નાખ્યુ છે. સ્કોડા અને કિયા જેવી પ્રિમીયમ કાર ઉત્પાદકોએ હાલના તબક્કે કોઇ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરી નથી પરંતુ દક્ષિણ ગુજરાતના મારુતિ સુઝુકીના એક ડીલરે જણાવ્યું હતુ કે હજુ ડીલર દ્વારા કોઇ સ્કીમ જાહેર કરાઇ નથી પરંતુ કંપનીએ તેના વિવિધ મોડેલો પર રૂા. 5,000થી રૂા.15,000 સુધી કેશ બેક અને રૂ. 20,000 સુધીનું એક્સચેંજ બોનસ જાહેર કર્યુ છે. જ્યારે સીએનજી કાર પર રૂ. 40,000નું રોકડ, એક્સચેંજ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ જાહેર કર્યુ છે.

કારનું ઉત્પાદન 30 ટકા સુધી વધાર્યું
કાર બિઝનેશના જાણકારોએ “ન્યુઝ આયોગ”ને જણાવ્યા અનુસાર કાર ઉત્પાદકોએ સપ્ટેમ્બરમાં જ કારનું ઉત્પાદન 30 ટકા સુધી વધારી દીધુ હતું. ઓક્ટોબર પહેલાના 10-15 દિવસો પહેલા ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. બીજી બાજુ વિવિધ બેન્કો પણ ગ્રાહકોને સસ્તી લોન આપવા તૈયાર થઇ રહી છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા 7.4 ટકાના દરે, એસબીઆઇ 7.5 ટકા અને પીએનબી 7.55 ટકાના દરે લોન આપી રહી છે.”
ઓફર્સ પર ગ્રાહકોની નજર
તહેવારો નજીક આવતા સુરતમાં અનેક ડિલર્સ તરફથી વિવિધ ઓફર્સ જાહેર કરાય તેના પર ગ્રાહકોની નજર છે. એક ડીલરના જણાવ્યા મુજબ કંપનીઓએ વર્ચ્યુઅલ સવલત શરૂ કરી હોવા છતા મોટા ભાગના લોકો શો-રૂમમાં આવીને કાર પસંદ કરે છે. હવે તહેવારો આવતા હોવાથી અને આવવા જવા પરના પ્રતિબંધો હળવા કરાતા વેચાણ વધે તેવી આશા રાખીએ છીએ.