વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ હળવી થતાં સરકારોએ લોકડાઉનમાં છૂટછાટ મૂકી છે. પરીણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની માગમાં ઊછાળો આવતાં ક્રૂડમાં તેજીનું તોફાન આવ્યું છે. સોમવારે ક્રૂડ ઓઈલના ભાવ વધીને 80 ડૉલરની નજીક ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયા છે. ક્રૂડમાં ભાવવધારાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં સામાન્ય ઘટાડો થયા બાદ ફરી એકવાર વધારો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં આગામી તહેવારોના દિવસોમાં મોંઘવારી વધવાની ભીતિ છે.
મોંઘવારી વધતા ફુગાવામાં પણ વધારો થશે, જેની પાછળ અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ ઝડપથી વધશે અને તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળે તેવી શક્યતા છે. વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ વધી બેરલદીઠ 80 ડોલરની નજીક પહોંચીગયા છે અને આગળ ઉપર ભાવ 90 ડોલર થવાની આગાહી ગોલ્ડમેન સેક દ્વારા કરવામાં આવતા વિશ્વ બજારના ખેલાડીઓ સ્તબૃધ બની ગયા છે. તેજીની આગાહી વચ્ચે વૈશ્વિક ક્રૂડ વાયદામાં મંદીવાળાઓ વેંચાણ કાપવા માંડયા છે. ક્રૂડતેલના વૈશ્વિક ભાવ આજે બેથી અઢી ટકા ઉછળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ આજે ઉંચામાં 79.83 ડોલર સુધી પહોંચ્યા હતા જ્યારે ન્યુયોર્ક ક્રૂડના ભાવ 76 ડોલર નજીક પહોંચ્યા હતા.