અશાંત ધારા હેઠળ સુરતમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે મનપા તંત્ર દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સુરતના વડા ચૌટા ભાઈસાજીની પોળમાં ગેરકાયદેસર રીતે પાંચ માળની ઇમારત ઊભી કરી દેવામાં આવી હતી. જૂના કોટ વિસ્તારનો સમગ્ર ભાગ અશાંત ધારા હેઠળ આવે છે. અહીંના મુસ્લિમ બિરાદરે હિન્દુ પાસેથી જમીન લઈને પાંચ માળની ઇમારત ઊભી કરી દીધી હતી. જેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને બનાવ્યા હતાં. વડા ચૌટા જૈન સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી લડત લડ્યા બાદ તેમાં આખરે ડિમોલિશનનું કામ શરૂ થયું.
પોલીસની દેખરેખમાં ડિમોલિશનનું કામ થયું
આ અંગે વડા ચૌટા જૈન સંઘ દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કામગીરી કરી રહ્યા ન હતા, અને ખોટા ખોટા બહાના બતાવીને કામ અટકી રહ્યું હતું. સુરત કોર્પોરેશનના શહેરી વિભાગના અધિકારીઓ એટલા ભ્રષ્ટ છે કે, તેઓ સામાન્ય વ્યક્તિએ કરેલી અરજીનો કોઈ પણ પ્રકારે ગંભીરતાથી ઉકેલ લાવવામાં રસ દાખવતા નથી. વડા ચૌટા જૈન સંઘ દ્વારા આખરે હાઇકોર્ટમાં સમગ્ર મામલાને લઈને જઈને રજૂઆત કરતાં કોર્ટે આદેશ કર્યો હતો.

2018માં ઈમારત ઊભી કરાયેલી
અશાંત ધારા અંતર્ગત હિન્દુની કોઈપણ મિલકત મુસ્લિમ ખરીદે અથવા તો મુસ્લિમ ની કોઈપણ મિલકત હિન્દુ ખરીદે તો જિલ્લા કલેક્ટર પાસે તબદીલી હુકમ લાવવાનો રહે છે. મુસ્લિમ બિલ્ડર દ્વારા કલેક્ટર પાસે તબદીલી હુકમ માટે અરજી તો કરાઈ હતી પરંતુ તેનો હુકમ આવે તે પહેલાં 2018માં પાંચ માળની ગેરકાયદેસર ઈમારત ઊભી કરી દીધી હતી. એટલું જ નહીં જૈન સંઘ નીચે જમીન હતી તેના ઉપર પણ તેને ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું.
હજી ઘણાં ડિમોલિશનની શક્યતા
સુરત શહેરના કોટ વિસ્તારમાં હજી પણ એવી કેટલીક ઇમારતો છે કે, જે અશાંતધારા ના ઉલ્લંઘન કરીને બનાવી દેવામાં આવી છે, અથવા તો બની રહી છે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ માત્ર ને માત્ર રૂપિયા કમાવી લેવાની લાયમાં આવા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરી રહ્યા નથી તે સૌ કોઈ જાણે છે. કોર્પોરેશનના કમિશનર દ્વારા શહેરી વિભાગની કામગીરીને લઇને યોગ્ય તપાસ કરવી જરૂરી છે જેથી કરીને અશાંતધારાનું ઉલ્લંઘન થતું શહેરભરમાં અટકાવી શકાય.