સુરત શહેર DIG શરદ સિંઘલ, DCP સરોજકુમારી, ટ્રાફિક DCP પ્રશાંત સુંબે, વિશેષ શાખાના ACP પી.એલ.ચૌધરીને મળ્યું બહુમાન
ત્રણ પોલીસ કર્મચારીઓને પણ એવોર્ડ એનાયત
સુરતઃ રવિવાર: ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા વર્ષ ૨૦૨૦ માં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ સુરતના DIG શરદ સિંઘલ, સુરતના DCP સરોજકુમારી, ટ્રાફિક DCP પ્રશાંત સુંબે અને વિશેષ શાખાના ACP પી.એલ.ચૌધરીને DGP’S Commendation Disc” એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, શહેરના બિનહથિયારી ASI શૈલેષ રાધેબિહારી દુબે, બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઉમટ અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ચૌહાણને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

રાજ્યભરમાંથી કુલ ૧૧૦ પોલીસ અધિકારીઓ,કર્મચારીઓની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી, જેમને ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે નવા વિદ્યાભવન ઓડિટોરીયમમાં આયોજિત સમારોહમાં એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. કુલ ૭ પોલીસ અધિકારીઓ,કર્મચારીઓને પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઉત્કૃષ્ટ કામગીરી થકી એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

એવોર્ડ વિજેતાઓમાં ગુજરાત પોલીસના ડીજીપી રેન્કના ૩ અધિકારીઓ, ૩ એડિશનલ ડીજીપી, ૫ આઈજીપી, ૫ ડીઆઈજી, ૧૩ એસપી અને ૧૭ ડીવાયએસપી સહિત કુલ ૧૧૦ પોલીસ અધિકારીઓ,કર્મચારીઓનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, આ એવોર્ડ માટે પારદર્શક નોમિનેશન પ્રક્રિયા પછી વરિષ્ઠ અધિકારીઓની એક કમિટી એવા વિજેતાઓની પસંદગી કરે છે. જેઓ તેમની ઉદાહરણરૂપ કાર્યો અને ફરજ પ્રત્યેના સમર્પણથી અન્ય કર્મચારીઓ અને આમજનતા માટે ઉદાહરણરૂપ બની શકે.
બાહોશ મહિલા આઈ.પી.એસ. અધિકારી સરોજકુમારી પણ એવોર્ડથી સન્માનિત
આઈ.પી.એસ. સરોજકુમારીએ બાહોશ પોલીસ અધિકારી તરીકે ફરજની સાથોસાથ સામાજિક કાર્યો માટે પણ નામના મેળવી છે. કોરોના મહામારી તેમજ લોકડાઉનમાંવડોદરા શહેર ખાતે તત્કાલિન નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુખ્ય મથક)ની ફરજ દરમિયાન સરાહનીય કામગીરી કરી હતી. હાલ તેઓ વડોદરાથી સુરત તા.૦૬/૦૮/૨૦૨૦ ના રોજ ટ્રાન્સફર થઈ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુખ્ય મથક) તરીકે ફરજ બજાવે છે. વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન શ્રમજીવી, ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે મળી આવતા લોકો ભૂખ્યા ન રહે એ માટે ‘પોલીસ કિચન’ શરૂ કરી પોલીસ ટીમની મદદથી તેમણે રાતદિવસ ભોજન પૂરૂ પાડ્યું હતું. ‘કમ્યુનિટી પોલિસીંગ’ એટલે કે પોલીસ દ્વારા ભાવનાત્મક અભિગમ દ્વારા સ્વજનની જેમ સેવા અને મદદની ભાવનાથી કોરોના કટોકટીમાં લોકો માટે સતત કાર્યરત રહ્યાં હતાં.
સુરતમાં પણ ફરજ સાથે તેમણે સેવાપ્રવૃત્તિઓજારી રાખી છે.