ટીમ ઈન્ડિયાના ભૂતપુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને બાઈક્સનો કેટલો શોખ છે તે સૌ કોઈ સારી રીતે જાણે છે. ધોનીના દરેક ફેનની ઈચ્છા હોય છે કે એક વખત તેઓને ધોનીનું ગેરેજ જોવા મળે. ધોની પાસે બાઈક્સનો ખજાનો જોવા મળે છે. પરંતુ હાલમાં જ તેણે સુપર બાઈક્સ અને કારના કાફલામાં ગ્રામીણ ભારતની સવારી કહી શકાય તેવા ટ્રેક્ટરની પણ ખરીદી કરી છે.
સોશિયલ મીડિયા પર ધોની ટ્રેકટર ચલાવતો હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા જોવા મળી રહ્યા છે. આ ફોટા જોઈને ટ્રેકટર કંપની સ્વરાજના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટ કર્યું છે.
પોતાના મજાકિયા સ્વભાવ માટે જાણીતા આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું છે કે, મને હંમેશા લાગતું હતું કે આ વ્યક્તિ પરફેક્ટ નિર્ણયો લે છે, તેની પાસે નિર્ણય લેવાની સારી સૂજબૂજ છે. લોકડાઉન દરમિયાન ધોનીએ સ્વરાજ 963 એફઈની ખરીદી કરી છે, જેમાં 3478 સીસીના ત્રણ સિલીન્ડરયુક્ત 4-સ્ટ્રોકડી એન્જિન આપવામાં આવ્યું છે. આ ટ્રેકટરમાં પાવર સ્ટીયરીંગ અને ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ છે.
માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેકટરની કિંમત 8 લાખ રૂપિયા છે અને આગામી દિવસોમાં માહી પોતાના સાત એકરના ફાર્મમાં ખેતી કરવાનું શરૂ કરી શકે તેમ છે.
