બાયો ડિઝલના વેચાણને લીધી પેટ્રોલિયમ કંપનીના ધંધા પર માઠી અસર થતાં ઉચ્ચ કક્ષાએ આ ગેરકાયદે વેપલો બંધ થવો જોઈએ એવી રજૂઆતો અને લડતના એંધાણ વર્તાયા બાદ રાજ્ય સરકાર આક્રમક રીતે હરકતમાં આવી છે. કોઇપણ જાતની પરવાનગી કે એન.ઓ.સી. વગર આડેધડ ખોલી નાખીને બાયો ડીઝલના નામે હલકુ એસડીઓ વગેરે ઇંધણનું વેચાણ કરવામાં આવતુ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં ઠેક-ઠેકાણે બાયો ડીઝલની સામાન્ય જગ્યામાં પંપ મુકીને બાયો ડીઝલનું ધુમ વેચાણ કરવામાં આવી રહ્યુ હોવાનું સામે આવ્યુ છે. રાજ્યમાં બાયો- ડીઝલના નામે વેચાતા ઝેરી કેમીકલ્સનાં વેચાણ સામે ગુજરાતનાં પંપધારકોએ એલાને જંગના મંડાણ કરતા સરકારે તમામ જિલ્લા કલેકટરોને બાયો ડિઝલ પંપ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. ખૂબ ગાજેલા બાયો ડિઝલ પર સ્ટેટ જીએસટીએ નજર દોડાવી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 18 વિક્રેતા-મેન્યુફેક્ચર્સને ત્યાં દરોડા પાડ્યા છે.

આ 18 જગ્યાઓ અંગે અધિકારીઓએ News Aayog જણાવ્યું હતું કે વિક્રેતાઓ 18ને બદલે 12 ટકા જ ટેક્સ ભરી બાયો ડિઝલમાં મિક્સિંગ પણ કરતા હતા. તમામ સ્થળોએ દરોડામાં હાલ હિસાબી દસ્તાવેજો ચકાસાઈ રહ્યા છે. જેમાં વધુ ગોબાચારી બહાર આવે તેવી પણ શક્યતા નકારી નથી શકાતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરતના સચિન, કરંજ ઉપરાંત નવસારી અને વલસાડ સુધી આ દરોડાનો દૌર લંબાવાયો છે.

અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે દરોડા વખતે જીપીસીબીના અધિકારીઓને પણ સાથે રાખવામાં આવ્યા છે. કલેક્ટર કચેરી સુત્રોના જણાવ્યા મુજબ બાયો ડિઝલના વેચાણ માટે નિયમ મુજબ ચાર પ્રકારના એનઓસી લેવામાં રહે છે. જેમાં એકસપ્લોઝીવ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, શહેરી વિસ્તારમાં હોય તો શોપ એકટ અને હાઇવે ઉપર હોય તો હાઇવે ઓથોરેટી એનઓસી લેવુ જરૂર હોય છે, પરંતુ મોટાભાગના કેસોમાં કોઈ પ્રક્રિયાને અનુસર્યા વગર જોખમી રીતે આ વેપલો થઈ રહ્યો હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે.
જીએસટી અધિકારીઓએ News Aayog સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે આમ તો બાયો ડિઝલ પર 12 ટેક્સ છે પરંતુ એ ત્યારેજ જ્યારે એ બી-100 નામનું ડિઝલ પ્યોર હોય. અમારા ધ્યાન પર આવ્યું છે કે વિક્રેતાઓ તેમાં ભેળસેળ કરે છે. અનેક કિસ્સાઓમાં તો અમને જોવા મળ્યું છે કે વિક્રેતાઓ વપરાયેલું ઓઈલ પણ ભેળસેળ કરે છે. આ રીતે ભેળસેળથી બળતણની વ્યાખ્યા બદલાઈ જાય છે અને એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્ તરીકે ઓળખાય છે. એટલે તેના પર નિયમ મુજબ 18 ટકા જીએસટી લાગે છે, પરંતુ બાયો ડિઝલના વિક્રેતાઓ ફક્ત 12 ટકા જ જીએસટી આપતા હતા. બાયો ડિઝલનો સમગ્ર સ્ટોક બે નંબરમાં કાઢવામાં આવતો હતો, જેના પર 12 ટકા ટેક્સ પણ ભરતા ન હતા.
આ પણ વાંચો : 63,000 કરોડનો પાક દર વર્ષે ખેડુતો વેચી શકતા નથી
પ્રદુષણની સમસ્યા પણ પડકાર
જીએસટીના આ દરોડા વખતે ઉલ્લેખનીય છે કે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ જોડાયા હતા. બોર્ડના અધિકારીઓએ બાયો િઝલના સેમ્પલ મેળવ્યા છે અને હવે એ સેમ્પલની ચકાસણી હાથ ધરાશે કે તેમાં કયા કયા અન્ય પદાર્થની ભેળસેળ થઈ રહી છે. ભેળસેળને કારણે વાતાવરણને પણ ભારે નુકશાન પહોંચે છે. વાહનોમાં આ ભેળસેળીયા ડિઝલથી ટેકનિકલ તકલીફો આવે છે. જે ટ્રક ડ્રાઈવરો દરોડા વખતે સ્થળ પર હતા એમની સાથે જીપીસીબીના અધિકારીઓએ વાતચીત પણ કરી હતી. ટ્રક ડ્રાઈવરોનું કહેવું હતું કે દૂર સુધીના ફેરા દરમિયાન રસ્તામાં અચાનક ગાડી બંધ થઈ જવા અને એન્જિનમાં ખરાબી આવી જવાની તકલીફો તેમને સતાવી રહી છે.
