વૈદિક હોળી કરવાથી વાતાવરણ શુદ્ધ બને છે સાથે સાથે વાયરસનો નાશ થાય છે, વાયુના દોષમાંથી મુક્તિ મળે છે, વૃક્ષો કપાતા અટકે છે અને ગાયોના સંરક્ષણમાં ઉપયોગી થાય છે. શિયાળો પૂરો થવાનો અને ઉનાળો શરૃ થવાનો આ સમય છે.એટલે ડબલ સીઝનનો ગાળો હોય છે. આ સમયે ઘણા લોકો તાવ અને શરદી-ઉધરસથી પીડાય છે, જેને શીત-જ્વર પણ કહેવામાં આવે છે. મોટાભાગના લોકોનું સ્વાસ્થ્ય કથળતું હોય છે. આથી ઠંડકવાળા વાતાવરણમાં ગરમી લાવવા માટે દરેક જગ્યાએ એક દિવસે હોળીકા દહન કરવામાં આવે છે.
સાર્વજનિક રીતે વૈદિક હોળીમાં થતી વિવિધ આહુતી અને હોળીની પ્રદક્ષિણા કરવાથી શરીરના ઘણાં બધાં રોગ મટે છે, એમ ઘનશ્યામ સીતાપરાએ વૈદિક હોળી પ્રગટાવવા પાછળના કારણો અને આરોગ્ય લક્ષી ફાયદાઓ વિશે વેબિનારમાં કહ્યું હતું. હોળીના તહેવારના મૂળમાં સ્વાસ્થ્યપ્રદ જીવનપ્રણાલી અને સતત વધતી મનની ખુશી છે, હાલમાં લોકો જે હોળી ઉજવે છે તે સાવ જ અવૈદિક અને બિન-સાંસ્કૃતિક છે. એના માટે દર વર્ષે સોસાયટીઓમાં વૃક્ષો કાપીને લાકડાઓ બાળીને પરિક્રમા કરવામાં આવે છે તે કોઈપણ પ્રકારે ભારતીય કે વૈદિક ઉત્સવ ન ગણી શકાય.

શાસ્ત્રો મુજબ હોળીકા દહન કેવી રીતે કરવું?
શાસ્ત્રોમાં હોળીકા દહન કયાંય લાકડાનો ઉપયોગ કરીને હોળીકા દહનનો ઉલ્લેખ જ નથી. હોલિકા દહન માટે ગાયના પોદળાનું બનેલું સૂકું છાણ, સૂકા નાળિયેર, આહુતી માટે ગાયનું શુદ્ધ ઘી, કેસર, જાયફળ, જાવંત્રી, લવિંગ, એલચી, તમાલપત્ર, તજ, સૂકામેવા, ગૂગળ, સફેદ ચંદન અને કપૂર વગેરે જેવી પવિત્ર વસ્તુઓનો ઉપયોગ કરીને હોળીકા દહન કરવાનું જણાવવામાં આવ્યું છે.
ગાયના છાણ તથા સ્ટીકની ખરીદી કરી વૈદિક હોળી પ્રગટાવવા અનુરોધ
સમગ્ર દેશમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો અસંખ્ય રોગોમાંથી મુક્તિ મળશે, હાનિકારક વાયરસ નાશ પામશે, વાતાવરણ પવિત્ર બનશે અને વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો પણ નાશ થશે તથા હકારાત્મક ઉર્જાનો વાતાવરણમાં વાસ થશે. આથી તેમણે લોકોને શહેરમાં ગૌશાળા ખાતેથી ગાયના છાણ તથા સ્ટીકની ખરીદી કરી વૈદિક હોળી પ્રગટાવવા અનુરોધ કર્યો હતો.