ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં કેદ આર્યન ખાને પિતા શાહરૂખ અને માતા ગૌરી ખાન સાથે વીડિયો કોલથી વાત કરી હતી. માતા-પિતા સાથે વાત કરતી વખતે આર્યન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. તેને રડતો જોઈ શાહરૂખ અને ગૌરી પણ પોતાના આંસૂ રોકી શક્યા નહોતા. મુંબઈની ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાનની NCBએ ધરપકડ કરી છે. કોર્ટે તેને 14 દિવસની જેલ કસ્ટડીમાં આર્થર રોડ જેલમાં મોકલી આપ્યો છે.
સેલિબ્રિટી પિતા શાહરૂખ દીકરા આર્યનને છોડાવવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યો છે. તેમ છતાં તેને જામીન મળી રહ્યાં નથી, જેના લીધે આખોય પરિવાર માનસિક રીતે ભાંગી પડ્યો છે. ગયા અઠવાડિયે શાહરૂખ અને ગૌરી ખાન દીકરા આર્યનને આર્થર રોડ જેલમાં મળવા ગયા હતા, પરંતુ કાગળીયા પૂરા નહીં હોય મળવા દેવાયા નહોતા. દરમિયાન એવી વાત પણ ઉઠી હતી કે આર્યન ખાન પિતા શાહરૂખથી નારાજ હોય મળવા માંગતો નહોતો અને આર્યને જ મળવાનો ઈનકાર કરી દીધો હતો.
આ અગાઉ 14 ઓક્ટોબરના રોજ મુંબઈની સેશન્સ કોર્ટ આર્યનના જામીન મંજૂર કરશે એવી આશા પરિવારને બંધાઈ હતી, પરંતુ કોર્ટે 20 ઓક્ટોબર પર ચૂકાદો અનામત રાખી દેતાં પરિવાર ભાંગી પડ્યો હતો. આર્યન ખાનને એનસીબી અને જેલ કસ્ટડીમાં 13 દિવસ થઈ ગયા છે. તે વ્યવસ્થિત જમતો નથી, ઊંઘતો પણ નથી. તેની તબિયત બગડી ગઈ હોય જેલતંત્ર પણ તેના માટે ચિંતિત છે. અધિકારીઓ સતત આર્યનની તબિયત પર વોચ રાખી રહ્યાં છે. હવે સમાચાર એવા આવ્યા છે કે આર્યન ખાનની વીડિયો કોલ દ્વારા શાહરૂખ અને ગૌરી ખાન સાથે વાત કરાવવામાં આવી છે.
આર્થર રોડ જેલમાં કોરોનાના પ્રોટોકોલના લીધે વીડિયો કોલ પર વાત કરાવાઈ છે. દરેક કેદીને અઠવાડિયામાં બે વાર તેમના ઘરના લોકો સાથે વીડિયો કોલ પર વાત કરાવાય છે.વીડિયો કોલ પર આર્યન ખાને પિતા શાહરૂખ અને માતા ગૌરી સાથે લાંબી વાત કરી હતી. એવી માહિતી મળી છે કે, કોરોન્ટાઈન પીરિયડ પુરો થયા બાદ આર્યન ખાનને જેલમાં કેદીઓની બેરેકમાં મોકલી દેવાયો છે. અહીં તેને કેદી નંબર 956ના કપડા આપવામાં આવ્યા છે. તેને હવે કેદી નંબર 956 તરીકે બોલાવવામાં આવશે. જેલના નિયમ અનુસાર એક મહિનામાં કેદી 4500 રૂપિયા વાપરી શકે છે. તેના ઘરેથી 4500નો મનીઓર્ડર મોકલવામાં આવ્યા છે. આર્યન જેલની કેન્ટીનમાંથી મિનરલ વોટર અને બિસ્કિટ ખરીદે છે. બિસ્કિટ અને પાણી પર જ તે ગુજરાો કરે છે.