નવી દિલ્હી : માર્કેટમાં ઉથલ-પાથલ વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર ગોલ્ડ એસેટ્સમાં પૈસા લગાવવાની સલાહ આપતા હોય છે. તેનું કારણ એ છે કે, Goldને સેફ હેવન એટલે કે, સુરક્ષિત સ્વર્ગ સમાન માનવામાં આવે છે. યુદ્ધના આ માહોલમાં માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે અને આવા સમયે તમે ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઠીક આવા સમયમાં જ સોવેરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમની 10મી સીરિઝ સબસ્ક્રિપ્શન માટે ઓપન થઈ રહી છે.
RBIએ આ સીરિઝ માટે સોનાનો ભાવ 5,109 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યો છે. જ્યારે અન્ય બોન્ડ માટે ઓનલાઈન એપ્લાય કરવા પર અને ડિજિટલ પદ્ધતિથી પેમેન્ટ કરનારાઓને રૂપિયા 50 પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ આપશે. આ પ્રકારે ડિજિટલ પદ્ધતિથી પેમેન્ટ કરનારા રોકાણકારો માત્ર 5,059 રૂપિયા પ્રતિ ગ્રામના દરથી આ સ્કીમમાં ઈન્વેસ્ટ કરી શકશે.

કેટલું રોકાણ કરી શકાય
કોઈ પણ વ્યક્તિ લઘુત્તમ એક ગ્રામનો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. બીજી તરફ ઈન્ડિવિજ્યુઅલ અને HUFs એક નાણાકીય વર્ષમાં મહત્તમ 4 કિગ્રા સોનાને બરાબરના બોન્ડ ખરીદી શકે છે. ટ્રસ્ટ માટે આ મર્યાદા 20 કિલોગ્રામની છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 (Sovereign Gold Bond Scheme 2021-22)ની 10મી સીરિઝમાં તમે 28 ફેબ્રુઆરી, 2022થી ઈન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકો છો. આ સીરિઝમાં રોકાણ કરવાની અંતિમ તારીખ 04 માર્ચ હશે.
ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણના ફાયદા
સરકારે ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ ઘટાડવા માટે નવેમ્બર 2015માં આ સ્કીમની શરૂઆત કરી હતી. આરબીઆઈ ભારત સરકાર તરફથી આ બોન્ડ જાહેર કરે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની મેચ્યોરિટી 8 વર્ષ હોય છે. ગોલ્ડ બોન્ડમાં ઈન્વેસ્ટ કરનારા લોકોને વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ પણ મળે છે.