કોરોના મહામારીના સમયમાં સરકાર દર્દીઓને તમામ સવલત આપતી હોવાનો દાવો કરતી રહી છે ત્યારે, હાલમાં ફરી સિવિલ હૉસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં એક દર્દીનું મૃત્યુ થતા તંત્રએ મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. પરંતુ, મૃતદેહને લઇ જવા માટે એમ્યુલન્સ કે શબવાહીનીની કોઈ સગવડ કરી આપી નહોતી. મૃતદેહ સાથે પરિવાર એક કલાક સુધી હૉસ્પિટલમાં રાહ જોતો રહ્યો. ત્યારબાદ કોઈ વ્યવસ્થા ન કરતા અંતે મૃતદેહને રિક્ષામાં લઇ જવો પડ્યો હતો.

આ ઘટના બાદ લોકોમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ છે. લોકોમાં એ વાતનો રોષ જોવા મળી રહ્યો છે કે, કોરોના સંક્રમણ આટલું વધી રહ્યું છે ત્યારે સિવિલ હૉસ્પિટલે આટલી મોટી બેદરકારી કેવી રીતે કરી શકે. મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, મૃતકને હાર્ટ એટેક આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેમને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં રાખવામાં આવ્યાં હતા. તે દરમિયાન દર્દીનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : શું MP પોલીસમાં માણસાઈ શેષ નથી બચી ?, ખેડૂતને એટલો માર્યો કે તે જંતુનાશક દવા પીવા થયો મજબુર

કોરોના સંક્રમિત અને શંકાસ્પદ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર હૉસ્પિટલનાં તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. પરંતુ, ભરૂચ સિવિલે શંકાસ્પદ વોર્ડમાં રાખ્યા બાદ પણ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો. જેના કારણે લોકોએ તંત્ર પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી હતી. આ અગાઉ પણ તેલંગાણાના નિઝામાબાદ સ્થિત સરકારી હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામનારા એક વ્યક્તિના મૃતદેહને ઓટો રિક્ષામાં અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો. મળેલી માહિતી અનુસાર, હોસ્પિટલ તંત્રએ એમ્બ્યુલન્સ વગર જ દર્દીના પરિવારના લોકોએ મૃતદેહ સોંપી દીધો હતો.
