એક તરફ કોરોનાનો માહોલ અને બીજી તરફ ધંધા-વેપાર ન ચાલવાને લીધે લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે, તેવામાં નવા પાસઆઉટ થયેલા યુવાનોને રોજગાર કેવી રીતે મળશે તે એક સવાલ છે. 3 મહિના ઉપરના લોકડાઉને ઘણા લોકોની જીંદગી બદલી નાખી છે. ખાસ કરીને હાથમાં ડિગ્રી હોવા છત્તા નોકરી ક્યારે મળશે તેની કોઈ આશા ન હોવાને લીધે ઘણા યુવકોએ પોતાના પરિવારને કોરાનાના કપરા કાળમાં મદદરૂપ થવા માટે જે નોકરી મળી તે સહર્ષ સ્વીકારી લીધી છે.
એમ કહીએ તો ચાલે કે યુવકોએ પોતાની સમસ્યા સાથે સમાધાન કરી લીધું છે. આનંદ નગરમાં રહેતા મિતાંગ રાઠોડે GTU માંથી બેચલર ઓફ ઓટો મોબાઈલ એન્જિનયરીંગ કર્યું છે, તે વાત એક વર્ષ થઈ ગયું હોવા છત્તાં તેને ક્યાંય નોકરી મળી નથી અને તેમાં પણ કોરોના આવતા નોકરી મળવાની આશા મદ્દન જ બંધ થઈ જતા તેણે એમનેમ બેકાર બેસી રહેવાને બદલે પરિવારને મદદરૂપ થવા માટે સિક્યોરિટીમેન તરીકે નોકરી હસતા મોંએ સ્વીકારી લીધી છે.

નોકરી મળવાની આશા તેણે હજુ મૂકી દીધી નથી. હાલની પરિસ્થિતિની સાથે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ થાક પ્રયત્ન કરી રહ્યો છે. તેને અને તેના પરિવારને હજુ પણ આશા છે કે તેને સારી નોકરી મળશે, જેથી તેનું ભણેલું એળે ન જાય. આ માત્ર એક મિતાંગની વાત નથી, એવા ઘણા યુવાનો છે જેમણે આ કપરા કાળમાં નોકરીની આશા છોડ્યા વગર હાલમાં જે કામ મળ્યું તે સ્વીકારીને પોતાની લાઈફ આગળ વધારવાનું નક્કી કર્યું છે.

મિતાંગ જેવો જ એક બીજો અવિનાશ પ્રજાપતિ નામનો યુવક છે, જે વટવામાં રહે છે. અવિનાશે BCA કર્યું છે પરંતુ તેને જોઈએ તેવી નોકરી મળતી નથી. જો કે તેણે નાસીપાસ થયા વગર જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી પોતાનો ધંધો શરૂ કરવાનું પસંદ કર્યું છે.

અવિનાશ હાલમાં સીસીટીવી કેમરાના ઈન્સ્ટોલેશનનું કામ કરે છે. તેનું કહેવું છે કે સરકાર તેના જેવા સક્ષમ યુવાનો માટે પૂરતી જોબ ક્રિએટ કરશે તો જ બેકારીની મુશ્કેલી દૂર થશે. તેના પિતા ઓછું ભણ્યા હોવા છત્તા પોતાના બાળકોને સારું ભણાવ્યા. તેઓ હાલ રીટાયર્ડ છે. કોરાનામાં ઘરની જવાબદારી પોતાને માથે આવી હોવાથી નોકરીની મળશે તેની રાહ જોયા વગર અવિનાશે પોતાનો ખુદનો ધંધો શરૂ કરી દીધો છે.

યુવાનોમાં બેકારીના દર અંગે એક કોલેજના પ્રિન્સીપાલનું કહેવું છે કે, સરકારે આ માટે સખત પગલાં લેવા જોઈએ. આજે એવા ઘણા યુવાનો છે જેમના પાસે આવડત છે પરંતુ નોકરી નથી. સરકારે નોકરી માટેના નિયમોમાં પણ બદલાવ કરવા જરૂરી છે. દરેક કંપની જો અનુભવ મેળવેલી વ્યક્તિને જ નોકરીએ રાખવા ઈચ્છે છે તો હાલમાં જ પાસ થયેલા બિનઅનુભવીઓને નોકરી આપશે કોણ. માટે કંપની અને સરકાર બંનેએ સાથે મળીને એવું કંઈક કરવું જોઈએ જે નવા પાસઆઉટ થયેલા યુવાનોને બેકાર ન બેસી રહેવું પડે.
