અમેરિકાના નિષ્ણાતોએ અમેરિકન સેટેલાઈટ કેરોનાએ દશકાઓ સુધી પાડેલી તસવીરોનો અભ્યાસ કરીને જણાવ્યું છે કે એવરેસ્ટનો બરફ દર વર્ષે આઠ ઈંચ પીગળી જતો હોવાથી ચીન-નેપાળ જેવા દેશો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે.

અમેરિકાએ 1960માં કેરોના ઉપગ્રહ લોંચ કર્યો હતો જેની તસવીરો અન્ય અભ્યાસમાં પણ કામ લાગે છે. 1995 પછી આ સેટેલાઈટે પાડેલી તસવીરો ટોપ સિક્રેટની કેટેગરીમાં આવતી હતી, પરંતુ તેને જાહેર કરવામાં આવી હતી. આ સેટેલાઈટે 1962થી 2018 સુધીમાં લગભગ આઠ લાખ કરતા વધુ તસવીરો પાડી છે. એન્ડ્રૂઝ યુનિવર્સિટીએ હાથ ધરેલા પ્રોજેક્ટમાં એવરેસ્ટની દશકાઓની તસવીરોનો અભ્યાસ કરાયો હતો.

એ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એવરેસ્ટમાં દર વર્ષે આઠ ઈંચ બરફ પીગળે છે અને આ ઝડપે બરફ પીગળશે તો 100 વર્ષમાં લગભગ આઠથી 10 ફૂટ બરફ પીગળી જશે અને તેની સૌથી વધુ ખતરનાક અસર ચીન અને નેપાળ ઉપર પડશે. સંશોધકોએ દાવો કર્યો હતો કે એવરેસ્ટમાંથી જે પીવાનું પાણી મળે છે તે સાવ ખતમ થઈ જશે. તેના કારણે ચીન-નેપાળ-તિબેટને મોટું નુકસાન થશે. એવરેસ્ટના બે ગ્લેશિયર પૈકી ખુંબુકનો અત્યાર સુધીમાં 260 ફૂટ બરફ પીગળી ચૂક્યો છે અને ઈમજા ગ્લેશિયરનો 300 ફૂટ બરફ પીગળ્યો છે.
