રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દરેક લોકોના સહિયારા પુરૂષાર્થથી હંમેશા સારા પરિણામો મળતાં હોય છે. આ વાતને સાબિત કરતાં સ્મીમેર હોસ્પિટલના ગાયનેક, મેડિસીન, એનેસ્થેસિયા અને પિડીયાટ્રીશ્યન વિભાગની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તબીબી ટીમે સુરતની એક સગર્ભા મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધી છે.

લિંબાયતની સાત માસની સગર્ભા પરિણીતા માધુરીબેન દિલીપ કુંભારની તબિયત બગડતા તેમને સ્મીમેરમાં દાખલ થયા હતા. તેમનું ટ્રેક્યોસ્ટોમી (ગળામાં કાણું પાડીને નળી નાંખવાનું ઓપરેશન) કરી મહિલાને સ્વસ્થ કર્યા હતા, ત્યારબાદ સિઝેરિયન ડિલીવરી કરાવી સ્મીમેરના ગાયનેક વિભાગના તબીબોને માતા અને બાળક બંનેને નવજીવન આપ્યું છે. હાલમાં માતા અને બાળક સંપૂર્ણ સ્વસ્થ અને ભયમુક્ત છે.
તેઓ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની છે અને સુરતના લિંબાયતની મહારાણા ચોક વિસ્તારમાં રહે છે. દિલીપ કુંભારની 23 વર્ષીય પત્નીને સાત મહિનાનો ગર્ભ હતો. તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા સ્મીમેરમાં દાખલ કરાયા હતા. પરંતુ શ્વાસોચ્છવાસ લેવામાં ખુબ મુશ્કેલી હોવાથી ટ્રેક્યોસ્ટોમી ઓપરેશન કરી વેન્ટીલેટર પર રખાયા હતાં.

આ અંગે, ડો.તનુશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘સાત મહિનાની સગર્ભા માધુરી કુંભારેને તા.17મી જુલાઈના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં તેમના પરિવાર દ્વારા સ્મીમેરમાં દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમને ન્યુમોનિયાની અસર હોવાનું નિદાન થયું હતું. તે ઉપરાંત તેમના લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘણું નીચું હોવાના કારણે તાત્કાલિક ગાયનેક વિભાગના અલાયદા કોવિડ વિભાગમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીની હાલત ખુબ જ નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતા. આ દરમિયાન તા.26મી જુને ટ્રેક્યોસ્ટોમી ઓપરેશન કરવામાં આવ્યુ હતું. તેમનો કોરોનાનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાવતાં નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો.
તે ઉપરાંત, ગર્ભમાં રહેલા શિશુની આજુબાજુ પાણી ઓછું જણાતા બાળકને બચાવવા માટે ગાયનેક વિભાગ તરફથી ડો.જિતેશ શાહ, ડો.અનામિકા મજુમદાર, ડો.પ્રિયંકા પટેલની ટીમ દ્વારા બાળકના ધબકારા અને વિકાસ માટે સોનોગ્રાફી તથા નોનસ્ટ્રેસ ટેસ્ટ મશીન દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવ્યું હતુ. મેડિસીન વિભાગના ડો.દિપક શુક્લાની દેખરેખ હેઠળ સઘન સારવાર કરી, તા.28મી જુનના રોજ માધુરીબેનને આઠ મહિનાના ગર્ભ સાથે રજા આપવામાં આવી હતી.

આ વિશે ડો.શ્રીજા દેસાઈએ જણાવ્યું હતું કે, ‘તા.06 ઓગસ્ટના રોજ માધુરીબેન નવ મહિના પૂર્ણ થતા ચેકઅપ માટે આવ્યા હતા. માધુરીબેનને આના પહેલાની સિઝેરીયન પ્રસુતિ થઈ હતી. હાલના ગર્ભસ્થ શિશુનો વિકાસ અને પોષણ ઓછું હોવાથી સિઝેરીયન માટે દાખલ કરવામાં આવ્યા હતા. ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણી, ડો.શ્રધ્ધા અગ્રવાલ, ડો.મેઘના શાહ, ડો.જિગીષા ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડો.રિતેશ જોષી, ડો.તનુશ્રી અગ્રવાલે અને મેં સફળતાપૂર્વક સિઝર કર્યુ. ડો. બિજલ ભાવસારની ટીમે એનેસ્થેસિયા આપ્યુ. પિડીયાટ્રીશ્યન ડો. પુનમ સિંઘની ટીમે નવજાત બાળકની દેખભાળ કરી હતી. આ રીતે દરેક લોકોએ મળીને ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ રૂપે ફરજ નિભાવી. જેના પરિણામે તા.09મી ઓગસ્ટના રોજ સિઝરના ત્રીજા દિવસે માતા અને બાળક સારા હોવાથી તેમને રજા આપવામાં આવી હતી.
ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને જ્યારે શ્વાસ લેવાની તકલીફ પડે ત્યારે તેને વેન્ટિલેટર પર રખાય છે. તે પહેલાં દર્દીઓને એનેસ્થેશિયા આપવામાં આવે છે. ત્યારપછી ગળામાં એક ટ્યુબ નાંખીને અથવા ટ્રેક્યોસ્ટોમી એટલે કે ગળામાં ઓપરેશન દ્વારા કાણું પાડીને ઓક્સિજન અપાય છે, તેમાંજ કાર્બન ડાયોક્સાઈડ બહાર કઢાય છે. ત્યારબાદ, દર્દીએ શ્વાસ લેવાની જાતે કોશિષ કરાવી પડતી નથી. જેથી આ સમગ્ર પ્રોસેસને અનુસરી માધુરીબેનને સારવાર આપતાં તેમને બચાવી શકાયા છે.
માધુરીબેન જણાવે છે કે, એક સમયે મને લાગ્યું કે હવે હું નહીં જીવી શકું. પરંતુ ડોકટરો મને સ્વસ્થ કરવાં જે કોશિશ કરી રહ્યાં હતા, તેમને જોઈને મારું મનોબળ વધ્યું. મેં મનથી નિશ્ચય કર્યો હતો કે હું સારી થઈ જઈશ અને મારા બાળકને જન્મ પણ આપીશ. હું દોઢ મહિનો વેન્ટીલેટર પર રહીને હું સારી થઈ અને 6 ઓગસ્ટે સ્મીમેરમાં સિઝર કરી પ્રસૂતિ થતાં હું અને મારું બાળક સ્વસ્થ છીએ. સ્મીમેર હોસ્પિટલના તમામ ડોક્ટરોએ મને અને મારા બાળકને જીવનદાન આપ્યું છે. આ પ્રમાણે સ્મીમેર હોસ્પીટલના ગાયનેક, મેડીસીન, એનેસ્થેસીયા અને પીડીયાટ્રીશયનની ટીમે ‘’મલ્ટીડીસીપ્લીનરી ટીમ’’ તરીકે કાર્ય કરીને ગંભીર કેસમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.
આ પણ વાંચો : કોર્ટના અવમાનના કેસમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દોષિત, આ તારીખે થશે આગામી સુનાવણી
