યુઝર્સની પરવાનગી વગર ફેસ રિકોગ્નિશન ટેકનોલોજી વાપરવા બદલ અમેરિકાના ઈલિનોઈ રાજ્યમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ Facebook સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસના સમાધાનરૂપે Facebook કંપનીએ 65 કરોડ ડોલર ચૂકવવાની તૈયારી દાખવી છે. અમેરિકાના દરેક રાજ્યમાં અલગ નિયમો છે અને ઈલિનોઈ રાજ્યના નિયમ પ્રમાણે યુઝર્સની જાણકારી વગર ચહેરો ઓળખી ટેગ કરવાની પદ્ધતિ ગેરકાયદેસર છે.
ઈલિનોઈમાં રહેતા ગુજરાતી યુવક નિમેશ પટેલ અને તેના મિત્રોએ Facebook સામે આ કેસ દાખલ કર્યો હતો. Facebook માં કોઈ પણ ફોટો અપલોડ કરતા તેમાં જો એકથી વધારે વ્યક્તિ હોય તો તરત બધાના ચહેરા ઓળખીને નામ સ્ક્રીન પર દેખાવા માંડે છે.

સિસ્ટમ શરૂ કરતા પહેલા Facebook એ નથી લીધી યુઝર્સની સહમતિ
યુઝર્સે માત્ર ફોટો અપલોડ કર્યો હોય, નામ લખ્યા ન હોય તો પણ ફેસબુકને નામ ખબર પડી જાય તેનું કારણ Facebook ની ફેસ રિકગ્નિશન સિસ્ટમ છે. Facebook એ આ સિસ્ટમ શરૂ કરતા પહેલા તેના યુઝર્સની પરમીશન લીધી નથી. માટે જે ફોટો અપલોડ કરે છે, તેને ખબર નથી હોતી કે તેના ફોટાનો ઉપયોગ ફેસ રિકોગ્નિશન માટે પણ કરવામાં આવે છે.

પહેલા આ એકદમ સરળ હોય તેવું લાગે છે પરંતુ તેનો ગેરફાયદો એ છે કે ફોટાની મદદથી મોબાઈલ કે અન્ય ગેજેટ્સ એનલોક કરી શકાય છે. આ મુદ્દે થયેલા કેસની પતાવટ માટે Facebook આટલી મોટી રકમ ચૂકવવા માટે તૈયાર થયું છે. આ રકમ ઈલિનોઈ રાજ્યના Facebook ના યુઝર્સને સરખે ભાગે વહેંચવામાં આવશે.
ઈલિની રાજ્યમાં Facebook ના 70 લાખથી વધુ યુઝર્સ છે. જો આ કેસ આગળ ચાલશે તો Facebook એ તેના યુઝર્સને 1000 થી લઈને 5000 ડોલર ચૂકવવા પડશે. આ સંજોગોમાં દંડની રકમ 47 અબજ ડોલર સુધી પહોંચી શકી હોત. પરંતુ આમ ન થાય માટે Facebook એ સમાધાનનો રસ્તો અપનાવ્યો છે.
