આપણા દેશમાં ગરીબો અને ખેડૂતોનાં નામે અંગ્રેજોના કાળથી શોષણ નિતી કહો કે રાજકારણ ચાલતું જ આવ્યું છે, તેમાં ક્યારેય ઓટ જોવા મળી નથી. ગરીબોનાં લાભ માટે સરકારી નીતિઓ ઘડાય, કાયદાઓ બને, યોજનાઓની જાહેરાતો થાય અને સરકારી તિજોરીનાં કરોડો-અબજો રૂપિયા ખર્ચાય, તો યે દેશનો ગરીબ વર્ગ ગરીબ જ રહે ! છતાંય હકીકત તો એ જ છે કે આજે પણ દેશના આર્થિક વિકાસનો માર્ગ આપણાં 6 લાખ ચાળીશ હજાર જેટલા ગામડાઓમાંથી જ પસાર થાય છે. કહેવાય તો એમ કે ખેડૂત જગતનો તાત છે અને આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. ગુજરાતી કહેવત છે કે કે ‘ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર, કનિષ્ઠ નોકરી’, પરંતુ દાયકાથી વાસ્તવિકતા જે નજર સમક્ષ છે તેમાં તદ્દન ઉલટું ચિત્ર છે. ‘ઉત્તમ નોકરી, મધ્યમ વ્યાપાર કનિષ્ઠ ખેતી…! ફરી આ સવાલો ઊભા થયા છે કૃષિ સુધારા અંગેના ત્રણ ખરડાથી. શું ખરેખર શાસકોના આ પગલાથી ખેડુતોના સારા દિવસો આવશે કે પછી વિપક્ષો કહે છે એમ ખેડુતો પાયમાલ થઈ જશે ?
બંધના એલાનનો પંજાબ-હરિયાણામાં પ્રતિસાદ

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારા અંગેના ત્રણ ખરડાને મંજુરી આપવાના વિસ્તારોમાં આજે વિવિધ ખેડૂત સંગઠનોએ આજે આપેલા ભારત બંધના એલાનને પંજાબ-હરિયાણા જેવા રાજયમાં પ્રતિસાદ સાંપડ્યો છે. જયારે દેશના અન્ય ભાગોમાં તેની અસરો ઓછેવત્તે દેખાઈ છે. પંજાબમાં કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ કૃષિ ખરડાના વિરોધમાં 24 થી 26 સપ્ટે.સુધી રેલ રોકો આંદોલનનું એલાન કર્યું’ છે અને ખેડૂતો એલાન મુજબ ટ્રેનના ટ્રેક પર બેસી જતા હબ દોડતી 20 જેટલી ખાસ ટ્રેનોને હાલ રદ કરવામાં આવી છે. ઉતર પ્રદેશમાં સમાજવાદી પક્ષે ખેડૂત-કર્ફયુની જાહેરાત કરી છે પણ તેની અસર વ્યાપક નથી. અંદાજે 31 જેટલા ખેડૂત સંગઠનો આ બંધના સમર્થનમાં છે. વાત જો ગુજરાતના ખેડુતોની કરવામાં આવે તો ખેડુતોનું એક જૂથ તેનાથી નારાજ જરૂર છે પરંતુ આંદોલનમાં હજી સુધી કોઈ સક્રીય ભૂમિકા બહાર આવી નથી જોકે, સૌરાષ્ટ્રમાં વાંકાનેર માર્કેટ યાર્ડનું સમર્થન જડબેસલાક બંધ હોવાના અહેવાલ “ન્યૂઝ આયોગ”ને પ્રાપ્ત થયા છે.
વિરોધ પક્ષનો વિરોધ

પંજાબમાં કોંગ્રેસ આક્રમક છે એટલે જ એનડીએમાં સામેલ સાથી પક્ષ શિરોમણી અકાળી દળે ખરડાના વિરોધમાં નારાજગી વ્યક્ત કરી પાર્ટીના મંત્રીએ કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું ધરી દીધું હતુ. પ્રિયંકા ગાંધીએ ખરડામાં લઘુતમ ટેકાના ભાવનો ઉલ્લેખ કેમ નથી ? તેવો સવાલ ઉઠાવ્યો છે. માયાવતીએ ખેડૂતોને વિશ્વાસમાં લઈ નિર્ણય લેવા માગ કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને યુપીના પૂર્વ સીએમ માયાવતી કૃષિ ખરડાના વિરોધમાં આગળ આવ્યા છે.’ વિપક્ષી દળો સંસદમાં પસાર કરાયેલા કૃષિ સુધાર ખરડાઓનો પોતપોતાની રીતે વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો : રાજ્યની દિવાની કોર્ટોનું ભારણ ઘટશે, સ્મોલ કોઝ કોર્ટ કાયદા વિધેયકને મંજૂરી
શું છે વિપક્ષના આરોપો ?

કોંગ્રેસે આ મામલે દેશવ્યાપી આંદોલન આગળ ધપાવવાના મૂડમાં છે. વિપક્ષમાં રહેલી પાર્ટીઓ અને અનેક ખેડૂતસંગઠનોનો આરોપ છે કે આનાથી ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર અસર પડશે, જ્યારે સરકાર આ આરોપોને નકારે છે. સત્તાધારી પાર્ટી કૃષિ બિલની બાબતમાં પોતાના 23 વર્ષ જૂના મિત્ર અકાલી દળના મંત્રીમંડળમાંથી જવાની કાંઈ ખાસ ચિંતા કર્યા વગર પણ બિલ પર અડગ રહી છે. સરકારનું કહેવું છે કે કૃષિ બિલમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને અનાજ-યાર્ડની વ્યવસ્થા ખતમ કરવામાં આવી રહી નથી, પરંતુ ખેડૂતોને સરકાર વિકલ્પ આપી રહી છે.
આ પણ વાંચો : શાળાઓની ફી 25% ઘટાડવા સંમતિ : કોર્ષ ઘટાડવા તુરંતમાં નિર્ણય
