ગોથાણથી હજીરા વચ્ચે રેલવે લાઈન નાંખવા માટે જમીન સંપાદનનું કામ ચાલી રહ્યું છે. તેવામાં કામગીરીના વિરોધમાં ખેડુત સમાજ દ્વારા ઉપાડેલી લડતમાં આજે વરીયાવ અને સરોલી ગામમાં ઓટલા બેઠક કરતા બન્ને ગામના ખેડુતોએ રેલવે ટ્રેક નાંખવામાં આવશે તો ઇલેકશનનો બહિષ્કાર સુધીની તૈયારીઓ બતાવી હતી.
ઓલપાડ અને ચોર્યાસીના 14 જેટલા ગામની જમીન સંપાદન કરીને ગોથાણ થી હજીરા વચ્ચે નવો રેલવે ટ્રેક નાંખવાને લઇને ખેડુત સમાજ દ્વારા આજથી શરૃ કરાયેલી લડતના ભાગરૃપે વરીયાવ અને સરોલી ગામના ખેડુતો સાથે ઓટલા બેઠક યોજી હતી.દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ રમેશ પટેલે કહ્યું કે, ખેડુતોમાં ભારે અંસતોષ જોવા મળી રહ્યો છે. એક જ સુર ઉઠી રહ્યો છે કે આ નવા રેલવે ટ્રેક પર સામાન્ય ટ્રેન તો દોડવાની જ નથી. બધી ટ્રેનો હજીરાના મહાકાય ઉદ્યોગો માટે દોડવાની છે. તો સરકાર શા માટે ખેડુતોની જમીન છીનવીને ઉદ્યોગોને ફાયદો કરાવી રહી છે. આ ટ્રેક નાંખવાથી કંપનીઓને જ ફાયદો થશે. ખેડુતોને તો નુકસાન જ નુકસાન છે.

વરીયાવ ગામના ખેડુત કલ્પેશ પટેલે જણાવ્યું કે, જો ખેડુતોની મહામુલી જમીન લઇને સરકાર ઉદ્યોગોને જ ફાયદો કરાવવા માટે નિકળી છે. જો ખેડુતોની જમીન સરકાર લેશે તો અમારા ગામ સહિત સરોલી ગામમાં પણ આગામી ઇલેકશનનો બહિષ્કાર કરવા સુધી લડત ચાલુ રાખવામાં આવશે.
ગોથાણ- હજીરા વચ્ચે લગભગ 40 કિ.મી.માં ન્યુ બ્રોડગેજ રેલવે લાઇન નાંખવા માટે 14 ગામોના અંદાજે 277 ખેડુતોની 85 હેકટરથી વધુ જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૃ થઇ છે. જોકે, ખેડૂતોએ લડત શરૃ કરી દીધી છે. જેથી સરકારમાં પણ હલચલ મચી ગઇ છે. રાજયના કૃષિ અને ઉર્જા મંત્રી મુકેશ પટેલે પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. માહિતી મુજબ સૂચિત નવી રેલવે લાઇન નાંખવા માટે ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામગીરી કરી રહી છે તેને હાલની હયાત રેલવે લાઇનની બાજુમાં જ બ્રોડગેજ ટ્રેક નાંખી શકાય કે નહી ? તે અંગે સર્વે કરીને દોઢ બે મહિનામાં રિપોર્ટ આપવા આદેશ અપાયો છે.