રશિયા-યુક્રેન તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લવાયો છે. જેમાં વિશ્વના અનેક દેશોએ આમાં મતદાન કર્યું હતું. પણ ભારત ખુદ આ વોટિંગમાંથી બહાર રહ્યું હતું. ભારતે કહ્યું છે કે તમામ સભ્ય દેશોએ મતભેદો અને વિવાદોના સમાધાન માટે રાજદ્વારી પ્રયાસો કરવા જોઈએ. વિવાદ ઉકેલવાનો એકમાત્ર રસ્તો સંવાદ છે. જોકે, હાલના સમયમાં તે કઠિન લાગી શકે છે. તે અફસોસની વાત છે કે મુત્સદ્દીગીરીનો (કૂટનીતિ) માર્ગ છોડી દેવામાં આવ્યો. આપણે તેના પર પાછા ફરવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે આ તમામ કારણોસર ભારતે આ પ્રસ્તાવથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.

ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું કહ્યું, યુક્રેનમાં તાજેતરની ઘટનાઓથી ભારત ખૂબ જ પરેશાન છે. અમે અપીલ કરીએ છીએ કે તમામ પ્રયાસો હિંસા અને દુશ્મનાવટના તાત્કાલિક અંત તરફ હોવા જોઈએ. શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ ઠરાવની તરફેણમાં 11 મત પડ્યા હતા. ચીન, ભારત અને સંયુક્ત આરબ અમીરાત મતદાનથી દૂર રહ્યા હતા. સુરક્ષા પરિષદમાં આ ઠરાવ પસાર થઈ શક્યો ન હતો કારણ કે કાઉન્સિલના કાયમી સભ્ય રશિયાએ તેનો વીટોનો ઉપયોગ કર્યો હતો.
જો કે ત્યાર બાદ રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે શુક્રવારે કહ્યું હતું કે રશિયા પડોશી યુક્રેન પર “કબજો” કરવા માંગતું નથી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આહ્વાન પર યુક્રેનિયન સૈન્યએ તેના હથિયારો નીચે મૂક્યા પછી મોસ્કો યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે. યુક્રેનના વિદ્રોહીઓના કબજા હેઠળના બે વિસ્તારોને રશિયા દ્વારા જાહેર કરવાના વિરોધમાં અમેરિકાએ અનેક પ્રતિબંધો લગાવ્યા છે. યુક્રેનના શહેરો પર રશિયન મિસાઈલોનો વરસાદ થઈ રહ્યો છે અને રશિયાએ યુક્રેનના એરબેઝ અને મહત્વપૂર્ણ ઇમારતોને નષ્ટ કરી દીધી છે.