પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. સાથે જ સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવનારા ભક્તોની પણ સંખ્યામાં વધારો થયો છે. દર્શનાર્થીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાયા ટ્રસ્ટે દર્શન કરવા પાસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જેના લઈને ભક્તો માટે ઓનલાઇન બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરમાં દર્શન માટે કલાકના માત્ર 200 પાસ ઈશ્યુ કરવામાં આવશે. તે ઉપરાંત, દિવસની ત્રણમાંથી એક પણ આરતીમાં ભક્તોને પ્રવેશ નહી મળે.

સોમનાથ મંદિરમાં ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સોમનાથ ટ્રસ્ટે બેઠક યોજીને દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. દર્શન માટે પાસ સિસ્ટમ ધરાવતું આ પ્રથમ મંદિર બનશે. બહારથી દર્શન માટે આવતા ભક્તોએ ટ્રસ્ટની વેબસાઈટ https://www.somnath.org/ પર મૂકવામાં આવેલ લિંક પરથી અગાઉથી સમયનો સ્લોટ બુક કરાવીને આવવાનું રહેશે. બહારથી આવનારા ભક્તો માટે ઓનલાઈન બુકિંગ ફરજિયાત કરવાનું રહેશે.
આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઇ સરકારને હાઈકોર્ટની ટકોર, આપ્યો આકરા સૂચનો
સોમનાથ મંદિરમાં આજથી તા. 18-08-20 સુધી દર્શનનો સમય સવારે 5.30 થી 6-30, 7.30 થી 11.30, 12.30 થી 6.30 અને સાંજે 7.30 થી 9.15નો રહેશે. મંદિરમાં દર્શન કરવા એક કલાકના માત્ર 200 પાસ ઈશ્યુ થશે અને દિવસની ત્રણમાંથી એકપણ આરતીમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. ભક્તોએ દર્શનના પાસ ફરજિયાત લેવાના રહેશે. આ પાસ સોમનાથ મંદિરની સામે જૂના પથિકાશ્રમની જગ્યા પર કાઉન્ટરથી મળશે. એક કલાકમાં 750થી વધારે ભાવિકો દર્શન કરી શકશે તેવી ધારણા છે. જે ભક્તો પાસે પાસ હશે તેને જ મંદિરમાં જવા દેવામાં આવશે. દરેક લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અનિવાર્ય છે.
