મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિ ‘રાષ્ટ્રીય યુવા દિવસે’ રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ અનોખી યોજનાની ગિફ્ટ રજૂ કરી છે. આ યુવાઓ માટે મુખ્યમંત્રી રૂપાણીએ રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો પ્રારંભ કરાવ્યો છે.
દેશભરમાં ગુજરાતનો આ એવો નવતર પ્રયોગ છે જેમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો કોલ નંબર 63-57-390-390 ડાયલ કરી સરળતાથી રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.
રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરીએ આ નવતર પહેલ કરી છે. આ યોજના પ્રારંભ સાથે મુખ્યમંત્રી રૂપાણીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (૧રથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો છે.
તેમણે જણાવ્યું કે, ‘હર હાથ કો કામ હર ખેતકો પાની’નું સૂત્ર સાકાર કરી દરેક વ્યક્તિને યોગ્ય કામ મળે અને તેના થકી જી.ડી.પી. વધે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધે છે. દરેક યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય એ હેતુથી આયોજિત ઓનલાઇન ભરતીમેળામાં 25,000 જેટલા યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે‘‘અમારે મન યુવા એ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છે’’યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેને એમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશા લીધી છે.
શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઇ ઠાકોરે આ અવસરે જણાવ્યું કે, રોજગાર સેતુ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, દેશમાં પ્રથમવાર રોજગાર સેતુ – કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે ઉમેદવાર સીધો સંવાદ કરશે. રાજ્યનો કોઇપણ ઉમેદવાર 63-57-390-390 નંબર ડાયલ કરતાની સાથે જ માહિતી મેળવી શકશે એટલું જ નહીં કોલ સમાપ્ત થયા બાદ એસ.એમ.એસ.થી રોજગાર કચેરીની વિગતો પણ ઉમેદવારને મોકલવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP