છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનમાં ઘણા લોકોને તેમનું જીવન ચલાવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. તેની વચ્ચે ઘણા એવા લોકો પણ છે કે જે સેવાને પોતાનો ધર્મ માનીને જરૂરિયાતમંદોની સહારે આવ્યા છે. આપણે અત્યાર સુધીમાં એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા અને સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોયા છે, તેવો જ એક કિસ્સો આસામમાં જોવા મળ્યો છે.
વાત કંઈક એવી છે કે લોકડાઉનને કારણે શાકની લારી ચલાવતા એક પરિવારની છોકરી તેના ઘરને આવા કપરા સંજોગોમાં મદદ કરવા માટે પોતાની સાયકલ પર ઘરે ઘરે જઈને શાકભાજી વેચવામાં મદદ કરી રહી હતી. આ છોકરીનું નામ જનમોની ગોગોઈ છે અને સાયકલ પર ઘરે ઘરે શાકભાજી વેચવા જતી જનમોની ગોગોઈના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ફોટામાં સાયકલની પાછલી સીટ પર મોટું બાસ્કેટ અને આગળ બંને સાઈડ બે બે થેલા ભરાયેલા જોવા મળે છે.

જનમોનીના પિતા ઘણા સમયથી બીમાર છે અને ઘરમાં તેની માતા એકલી કમાનારી હોવાથી પોતાના પરિવારને મદદરૂપ થવા માટે તેણે ધઆરણ 12ની પરીક્ષા આપ્યા પછી તેની માતા સાથે શાકભાજી વેચવાનુ શરૂ કરી દીધું હતું. બાકીના બાળકોની જેમ તેની પણ ઈચ્છા આગળ વધુ ભણવાની હતી. સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ થવાને લીધે આસામના દિબુગઢ જિલ્લાના એસપીના ધ્યાનમાં આવતા તેમણે પોલીસની એક ટીમ જનમોનીના ઘરે મોકલાવી હતી અને તેને કોઈ મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું હતું પરંતુ, સ્વાભિમાની છોકરીએ પોલીસની નાણાકીય મદદ સ્વીકારવાની ના પડી દીધી હતી. આથી પોલીસની ટીમે તેને એક સ્કૂટી ભેટમાં આપ્યું હતું, જેથી તેને શાકભાજી વેચવામાં સરળતા રહે. આ અંગે પોલીસે ટ્વીટ કરીને તેની સ્ટોરી લોકો સાથે શેર પણ કરી હતી.