રાજયમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સામાન્ય લોકો જ નહિ કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થયા છે. કોરોના દર્દીઓની સારવારમાં પ્લાઝમા થેરાપી સફળ સાબિત થઇ રહી છે. સુરતીઓ પ્લાઝમા ડોનેટ કરવામાં અગ્રેસર રહ્યા છે. વરાછા વિસ્તારની ગોપીનાથ જેમ્સ ડાયમંડ કંપનીના 42 યુવાનોએ પ્લાઝમા ડોનેટ કરીને કોરોના વોરિયર્સની જેમ દર્દીઓની સેવા માટે આગળ આવ્યા છે.
ગોપીનાથ જેમ્સના માલિક નાગજીભાઈ વિઠ્ઠલભાઈ ઠુમ્મરે જણાવ્યું કે, કોવિડ-19ની મહામારીમાં લોકડાઉન પછી સરકારની ગાઈડલાઈન અનુસાર ડાયમંડ પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું. રોજ સંચારમાં પ્લાઝમા ડૉનેટના સમાચાર વાંચીને કંપનીના રત્નકલાકારોએ પણ પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો. સ્મીમેર હોસ્પિટલમાં કંપનીના 68 રત્નકલાકારોના એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા. જેમાંથી 48 વ્યક્તિઓમાં કોરોનાના સિમ્પટમ્સ ડેવલપ થયા હોવાનું જણાયું. પ્લાઝમાના ધારાધોરણો અનુસાર 42 રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કર્યા.
ગોપીનાથ જેમ્સના રત્નકલાકાર કેતન વાડદોરીયાએ જણાવ્યું હતું કે, ‘હું દોઢ મહિના પહેલા કોરોનાગ્રસ્ત થયો હતો, 14 દિવસ હોમ આઈસોલેશનમાં સારવાર લઈને કોરોનાને મહાત આપી. કંપનીના માલિકની પ્રેરણાથી પ્લાઝમા ડોનેટ કર્યા છે અને બીજીવાર જરૂર પડ્યે ફરી પણ કરીશ. મૂળ અમરેલીના 50 વર્ષીય હિમ્મતભાઈ ઠુમ્મરે જણાવ્યું કે, 2 મહિના પહેલા સમય લક્ષણો જાણતા કરાવેલા ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કોવિડ વોર્ડમાં 3 દિવસ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈને ઘરે 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહીને સ્વસ્થ થયો. પ્લાઝમા ડોનેટ કરવાના કંપનીના નિર્ણયથી હું ખુબ ખુશ છું.
આ પણ વાંચો : મહેનત અને જિજ્ઞાસાથી આગળ વધી સમાજ માટે એક મિશાલ એવી ગીતા વસાવા
સિમાડા ગામમાં રહેતા રાજેશભાઈ પટેલ પણ 14 દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયા હતા. પ્લાઝમા ડોનેટ કરીને ઘણી ખુશી મળી છે અને આગળ પણ ઉમદા કાર્યમાં હંમેશા શક્ય તેટલું યોગદાન આપીશ. મૂળ સૌરાષ્ટ્રના નાની વડાલ ગામના 31 વર્ષીય કમલેશ ઠુમ્મરે જણાવ્યું કે, કોરોનાથી સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનેટ કરી બે વ્યક્તિને નવજીવન આપી શકાય તે જાણીને મેં પણ પ્લાઝમા ડોનેટ કર્યું છે. મૂળ સૌરાષ્ટ્રના 32 વર્ષીય અતુલ ધામેલીયાએ જણાવ્યું કે, ‘ટેસ્ટમાં એન્ટીબોડી ડેવલપ થઇ હોવાનું જણાયું, જેથી મેં પણ અન્ય લોકોના જીવ બચાવવા માટે પ્લાઝમાનું દાન કર્યું છે.
