ભારતમાં કોરોનાના સ્થિતિ દિવસે દિવસે ગંભીર થતી જાય છે. હાલમાં, કોરોનાના વધતા દર્દીઓના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા હોમ આઇસોલેશન માટેની માર્ગદર્શિકા રીવાઈઝ કરવામાં આવી છે. જેમાં, કોઈ પણ જાતના લક્ષણ વિનાના પેશન્ટ્સને પણ માઈલ્ડ લક્ષણો ધરાવતા પેશન્ટ્સના લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકામાં એચઆઈવી, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર થેરેપીના દર્દીઓને હોમ આઈસોલેશનની મંજૂરી આપવામાં આવી નથી.

જે દર્દીઓમાં કોરોના વાયરસ હોવા છતાં તેના લક્ષણ દેખતા નથી અથવા માત્ર ચેપનો શિકાર બન્યો હોય અથવા બનવાની સંભાવના હોય તેવા દર્દીને હોમ કવોરેન્ટાઇન કરીને સાજા થવાની છૂટ આપી શકાશે. અગાઉ કોરોનાના હળવા, મધ્યમ અથવા ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટર, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્ર અથવા ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા સૂચનો કર્યા હતા. પરંતુ, હાલમાં એસિમ્પ્ટોમેટિકના લક્ષણો ધરાવતા કેસમાં વધારો થતો હોવાના કારણે આ માર્ગદર્શિકામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

ઘરે ઈલાજ કરતા દર્દીઓ પાસે આઇસોલેશનની સુવિધા હોવી જોઈએ અને સાથે જ તેના પરિવાર માટે પણ આઇસોલેશનની સુવિધા હોવી જરૂરી છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દર્દીઓ અને અન્ય બીમારીઓ જેવી કે બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હ્રદયરોગ, ફેફસાં, કિડની તેમજ સેરેબ્રો- વેરક્યુલર જેવાં રોગની ધરાવતા દર્દીઓએ ડૉકટર્સ પાસેથી યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ હોમ આઇસોલેશન માટેની મંજૂરી આપવામાં આવશે. તે ઉપરાંત ઘરે સારવાર મેળવતી વ્યક્તિ સાથે કોઈ પણ એક વ્યક્તિ ૨૪ કલાક હાજર હોવી જોઈએ અને દર્દી અને ડૉકટર વચ્ચે યોગ્ય કમ્યુનિકેશન થાય તે જરૂરી છે. દર્દીના સંભાળ રાખનાર તેમજ દર્દીના સંપર્કમાં આવનાર લોકોએ ડૉકટર્સની સલાહ મુજબ હાઇડ્રોક્સીક્લોરોક્વિન પ્રોફીલેક્સીસ દવા લેવી જોઈએ.
આ પણ વાંચો : સુરતમાં 100 કરોડના ખર્ચે ઉભી કરાશે બે કોવીડ હોસ્પિટલ, CM રૂપાણીએ કરી જાહેરાત
આ માર્ગદર્શિકા જાહેર કરવાનો ઉદ્દેશ્ય હોસ્પિટલમાં ભીડ ઓછી કરવાનો છે. જેમાં સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ હોમ કવોરેન્ટાઇન થઈને ઘરે જ સારવાર લેશે તો હોસ્પિટલના સંસાધનો બીજા ગંભીર હાલત ધરાવતા દર્દીઓને કામ લાગશે.
