આજે ભારતનો 74મોં સ્વતંત્રતા દિવસ છે. સુરતમાં સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી માટે રાજ્યના વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાએ સૂરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરીને ત્રિરંગાને સલામી આપી હતી. તેમજ ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના મંત્રને સાકાર કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમની સાથે સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ તથા પોલીસ કમિશનર અજય તોમર જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ગણપતભાઈએ સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા સૌ વીર શહીદ સેનાનીઓની યાદમાં જણાવ્યું હતું કે, અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોના કારણે આપણને આઝાદી મળી છે. આજે PM મોદીની આગેવાની હેઠળ દેશ આગળ વધી રહ્યો છે. તેમણે દેશમાં રામજન્મભૂમિમાં મંદિરનો શિલાન્યાસ, કાશ્મીરમાં કલમ 370 ની નાબૂદી અને 20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરી દેશવાસીઓમાં પુનઃઉત્સાહનો સંચાર કર્યો હોવાનું મંત્રીએ કહ્યું હતું.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ ચાર વર્ષના શાસનકાળ દરમિયાન અનેક પ્રજાકલ્યાણી નિર્ણયો દ્વારા ગુજરાતનો સર્વાંગી વિકાસ ઝડપી બન્યો છે. હાલમાં, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર માટે કોવિડ બેડની ઉપલબ્ધતા, વેન્ટીલેટર્સ, ટેસ્ટીંગની વ્યવસ્થાના દ્વારા દર્દીઓનો રિકવરી રેટ 77 %થી વધુ અને મૃત્યૃદર ઘટીને 2.2 % થયો છે.
લોકડાઉન બાદ નાના દુકાનદારો અને પરંપરાગત વ્યવસાયિકોને થયેલા નુકશાન અને તેમને પુનઃ પગભર કરવા રૂ.14,000 કરોડનું આત્મનિર્ભર પેકેજ, ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસિડી, કૃષિ-પશુપાલન માટે ફાળવણી કરી હોવાનું તેમણે કહ્યું હતું. તેમજકહ્યું હતું કે, હવે કોઈ પણ પ્રિમિયમ ભર્યા વિના ખેડુતોને નુકશાન સામે વળતર મળશે. યુવાનોને રોજગારી આપવી તે સરકારની પ્રાથમિકતા રહી છે. છેલ્લા ચાર વર્ષમાં એક લાખ યુવાનોને સરકારી નોકરી તથા ચાર હજાર ભરતી મેળા દ્વારા 10 લાખથી વધુ યુવાનોને નોકરી મળી હોવાનું કહ્યું હતું.
તેમજ રાજ્યમાં ‘પેસા’ એક્ટનો નક્કર અમલ કરીને વનબંધુઓને વધુ સ્વાવલંબી બનાવ્યા છે. વન અધિકારપત્રો દ્વારા જંગલ જમીનના હક્કો આદિવાસીઓને આપવામાં આવતા આદિવાસી પરિવારોમાં ખુશીની લહેર પ્રસરી છે. આ કાર્યક્રમમાં મંત્રી અને અન્ય પદાધિકારી-અધિકારીઓના હસ્તે કોરોના સામે લડી રહેલા કોરોના વોરિયર્સ એવા ડોકટરો , લેબ ટેકનિયશીયન, આશા વર્કર બહેનો, સફાઈ કામદારોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા હતા. સ્વતંત્રતા કાર્યક્રમ બાદ મંત્રીએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પણ વાંચો : લાલ કિલ્લા પર પીએમ મોદીએ લોંચ કરી નવી યોજના, એક યુનિક આઈડીમાં હશે તમારા સ્વાસ્થ્યની તમામ માહિતી
સુરતમાં 15 ઓગસ્ટના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રિતીબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, જિલ્લા પોલીસ વડા, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
