ભારતમાં ફેલાયેલા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીનને આગામી ચૂંટણી માટે ચૂંટણી પંચે ગાઇડલાઇન જાહેર કરી છે. જેનું ચૂંટણીમાં પાલન કરવું અનિવાર્ય હશે. આ ગાઇડલાઇન અનુસાર, હવે ઉમેદવાર સહિત ફક્ત પાંચ લોકો ડોર ટૂ ડોર પ્રચારમાં ભાગ લઈ શકશે. તેમજ, ઉમેદવાર તેની ડિપોઝિટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે. જાહેર રેલી કે રોડ શૉની મંજૂરી ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના કોરોના અંગેની માર્ગદર્શિકા પ્રમાણે મળશે.
આ ગાઇડલાઇન પ્રમાણે હવે ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવાર સાથે ફક્ત બે લોકો અને બે ગાડી લઇ જવાની છૂટ આપવામાં આવશે. તેમજ, મતગણતરી હૉલમાં સાતથી વધારે કાઉન્ટિંગ ડેસ્કની મંજૂરી નહીં મળે. આ ઉપરાંત, એક વિધાનસભા ક્ષેત્રનું કાઉન્ડિંગ ત્રણથી ચાર હૉલમાં થઈ શકે છે. તેમજ, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સેનિટાઇઝર, ગ્લવ્ઝ, ફેસ શીલ્ડ, માસ્ક, થર્મલ સ્કેનરનો ઉપયોગ ફરજીયાત રહેશે. દિવ્યાંગો, 80 વર્ષથી વધારે વયના લોકો તેમજ કોરોના વાયરસને કારણે ફરજમાં રોકાયેલા કર્મીઓને પોસ્ટલ બેલેટની સુવિધા મળશે.
આ પણ વાંચો : UGC NET, DUET, IGNOU Openmat સહિતની પરીક્ષાઓની તારીખ થઇ જાહેર, આ તારીખથી થશે શરુ
ચૂંટણી પંચે રાજકીય પક્ષો તરફથી આપવામાં આવેલા વિચારો અને સૂચનો તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી કરવામાં આવેલા સૂચનો અને ભલામણો અંગે પણ ચર્ચા કરી હતી. આ વિશે ચૂંટણી પંચે નિવેદન આપતા કહ્યું કે, આ તમામ પર વિચાર-વિમર્શ કર્યા બાદ ચૂંટણી પંચે ત્રણ દિવસમાં વિસ્તૃત દિશા-નિર્દેશ તૈયાર કરવાનો આદેશ કર્યો છે.
ગુજરાતમાં આઠ બેઠક પર યોજાશે પેટા ચૂંટણી
રાજ્ય સભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા આ બેઠકો ખાલી પડી છે. આ બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી જાહેર કરવામાં આવશે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરુ કરી દીધી છે. ચૂંટણી યોજાવનાર 8 બેઠકમાં લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા, ધારી અને અબડાસાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, બિહાર વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આથી ઓક્ટોબર કે નવેમ્બરમાં ત્યાં ચૂંટણી યોજાવાની સંભાવના છે.
