ગુજરાત હાઇકોર્ટેમાં કોરોના મુદ્દે કરેલી સુઓમોટો અરજી અંગે આજે સુનાવણી ચાલી હતી જેમાં સરકારે પોતાનો જવાબ રજુ કર્યો હતો. સરકારે જવાબ આપતા કહ્યું, આરોગ્ય સેવા મૂળભૂત અધિકાર છે પરંતુ યોગ્ય પ્રતિબંધને આધારિત છે. સરકારે કોરોનામાં અમુક ચોક્કસ રોક લગાવી છે. ICMRની માર્ગદર્શિકા પ્રમાણે એકસૂત્રતા ધરાવતી નીતિ અપનાવવી હિતમાં છે. રાજ્યમાં ICMRએ માન્યતા આપેલી 19 ખાનગી લેબોરેટરીઓ છે. કોઈ સુવિધા સંપન્ન લેબોરેટરીએ માન્યતા મેળવવા માટે સરકારમાં અરજી કરી હોય અને તે પડતર હોય તેવી કોઈ માહિતી નથી. ICMRની વેબસાઈટ પર પણ કોઈ માહિતી નથી.
અન્ય બીમારીઓ અને દર્દીઓ વૃદ્ધ હોવાના લીધે મૃત્યુ પામ્યા
સરકારે સિવિલામ મૃત્યુ પામેલા દર્દીઓ અંગે જવાબ આપતા કહ્યું, અન્ય બીમરી અને વૃદ્ધ હોવાના કારણે દર્દીઓ મૃત્યુ પામ્યા એમાં સરકાર કે સિવિલ તંત્રનો કોઈ વાંક નથી. સરકારે ખાનગી હોસ્પિટલ અંગે માહિતી આપતા જણાવ્યું ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધી 3292 દર્દીઓને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને તેઓ સારવાર લઇ ચૂક્યા છે. ખાનગી હોસ્પિટલમાં 2077 બેડ છે, જેમાં 911 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. જે ખાનગી હોસ્પિટલ સામે વધુ ફી લેવાનો આક્ષેપ છે તેમની સામે તપાસ ચાલી રહી છે, સરકાર પુરતા પગલાં લઈ રહી છે.
સિવિલ હોસ્પિટલમા સ્ટાફથી અછત નથી
સિવિલ હોસ્પિટલ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જવાબ આપતા કહ્યું, કે સિવિલમાં સ્ટાફની કોઈ અછત નથી. દરેક પ્રકારના દર્દીઓને યોગ્ય સારવાર, સારી સુવિધા અને જમવાનું પણ મળે છે. કોઈ બેદરકારી રાખવામાં આવતી નથી. ડોક્ટર્સ અને સ્ટાફને PPE કિટ સહિત તમામ સુરક્ષાના સંસાધન આપવામાં આવે છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સતત સિવિલની કામગીરી પર નજર રાખી રહ્યા છે. જેમને કોરોના અંગેની જવાબદારી સોંપવામાં આવી છે તે તમામ ઉચ્ચ અધિકારીઓ પણ સતત નજર રાખી રહ્યા છે.
વીએસ હોસ્પિટલ અંગે સરકારનો જવાબ
વીએસ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા છે જ્યાં ગાયનેક, જનરલ, મેડિસિન, ઓર્થોપેડિક ના દર્દીઓની સારવાર થઈ રહી છે. ત્યાં કોરોનાના દર્દીઓની સારવાર માટે યોગ્ય સ્ટાફનો અભાવ છે જેથી ત્યાં સારવાર શક્ય નથી. વી.એસ.માં કોરોનાના દર્દીઓ માટે સારવારની વ્યવસ્થા કરાશે તો બીજા દર્દીઓને ચેપ લાગવાની સંભાવના વધી જશે અને તેઓ પણ યોગ્ય સારવાર મેળવી શકશે નહીં. ત્યાંનો સ્ટાફને SVP અને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલો છે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ પાછળ છે લોકડાઉન ક્નેક્શન ?
