કોરોનાની દહેશત વચ્ચે રાજ્યમાં મનપા, નપાના વિસ્તાર સિવાયની 98 સબ રજીસ્ટ્રાર કચેરીમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે CMO સચિવ અશ્વિની કુમારે માહિતી આપી હતી.
રાજ્યમાં 40 હજાર ઉદ્યોગો શરુ
તેમણે જણાવ્યું કે જે માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવાની રહેશે અને ફી પણ ભરવાની રહેશે. અત્યાર સુધીમાં લગભગ 40 હજાર ઉદ્યોગો શરૂ થઈ ચૂક્યા છે. આ ઉદ્યોગોમાં અંદાજે 5 લાખ કામદારો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે 25મી એપ્રિલથી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ(NFSA) હેઠળ જે 66 લાખ કુટુંબો રેશનકાર્ડ ધરાવે છે એવા કુટુંબોમાં જે લોકોના રેશનકાર્ડનો છેલ્લો આંક 1 અથવા 2 હોય એવા કાર્ડધારકો આવતીકાલથી સસ્તા અનાજની દુકાન ઉપરથી પોતાનો જથ્થો વિના મૂલ્યે મેળવી શકશે. આ રાશન NFSA હેઠળ નોંઘાયેલા 66 લાખ કુટુંબોને નિમય મુજબ આપવામાં આવશે.
પાકોની કુલ લગભગ 4,43,861 ક્વિન્ટલ આવક
તેમણે જણાવ્યું કે, એરંડા અને અન્ય બીજા પાક મળીને કુલ લગભગ 4,43,861 ક્વિન્ટલ આવક માર્કેટિંગ યાર્ડ ખાતે થયેલ છે. સાથે જ તેમણે કહ્યું કે રાજ્યમાં દૂધ, શાકભાજી અને ફળની પણ ખૂબ જ સારી આવક છે. NFSA હેઠળ જે 66 લાખ જેટલા જે કાર્ડ હોલ્ડર્સ છે તેમના એકાઉન્ટમાં ગઈકાલ સુધીમાં 34 લાખ એકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં એપ્રિલ મહિનામાં રૂ.1000 લેખે રૂપિયા 340 કરોડ જમા થઈ ગયા છે.
7 લાખ ખાતામાં રૂ.1000 જમા કરાશે
આવતીકાલ સાંજ સુધીમાં બીજા 7 લાખ લોકોના ખાતામાં રૂ.1000 જમા કરવામાં આવશે. શનિવાર સાંજ સુધીમાં કુલ 41 લાખ ખાતાધારકોના ખાતામાં રૂ.1000 જમા થશે. અને રૂ. 410 કરોડની રકમ કોઈ પણ અરજી કર્યા વગર DBTના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે કહ્યું કે અનુમાન મુજબ સોમવારે સાંજ સુધીમાં 50 લાખ ખાતાધારકોના ખાતામાં કુલ રૂ.500 કરોડ DBTના માધ્યમથી સીધે સીધા જમા થઈ જશે.
