પાણીના ભાવે આ વાક્યમાં પાણીની કોઈ કિંમત ન હોવાનું કહેવામાં આવે છે પણ ક્યારેય સાંભળ્યું છે કે પાણી વેચીને સરકારે કરોડોમાં રૂપિયા કમાયા હોય. વાત સાચી છે ગુજરાત સરકારે 2019-2020માં પાણી વેચીને આશરે 1620 કરોડ રૂપિયાની કમાણી કરી છે. છેલ્લા 20 વર્ષથી થતી પાણીની કમાણીમાં 10 ઘણો વધારો જોવા મળ્યો છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે પાણીમાંથી 7 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે.
સરકાર દ્વારા પીવાનું પાણી, ખેતી માટે અને ઉદ્યોગોને નક્કી કરેલા ભાવે આપવામાં આવે છે અને આ મુજબ આકારણી કરી વસુલાત કરવામાં આવે છે. 1999-2000માં 190 કરોડની આકારણી સામે માત્ર 100 કરોડની વસૂલાત થઈ હતી. પાંચ વર્ષમાં આ રકમ બમણી થઈ ગયેલી જોવા મળે છે.

ઉદ્યોગો દ્વારા પાણીનો વપરાશ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. 2019-2020ના આંકડાઓ પ્રમાણે ખેતી માટે 32 કરોડ, પીવાના પાણી માટે 480 કરોડ અને ઉદ્યોગો માટે 1109 કરોડ રૂપિયા આકરણી પેટે લેવાના થાય છે.
ખેતી માટે પાણી વેચીને સરકાર આ વર્ષે 31.77 કરોડ રૂપિયા કમાઈ છે. તે સિવાય ઉદ્યોગોના વપરાશ માટે સરકારે આ વર્ષે 1108 કરોડ રૂપિયાનું પાણી વેચ્યું છે, જે ગયા વર્ષે 1020 કરોડ રૂપિયા હતું. 1999-2000 દરમિયાન ઘરેલુ વપરાશ માટેના પાણીન આવક સરકારને 16 કરોડની થતી હતી, જે 20 વર્ષમાં વધીને 480 કરોડની થઈ ગઈ છે.
