એનોનિમસ હેકિંગ ગુ્રપ સાથે સંકળાયેલા સાયબર ક્રિમિનલ્સે રશિયાની સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિયુટ-આઇકેઆઇની વેબસાઇટને હેક કરી રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસની ફાઇલો લીક કરી દીધી છે. આ અજાણ્યા હેકર્સે ટેવિટ કરીને જણાવ્યું હતું કે સ્પેસમાં કરવામાં આવતાં પ્રયોગ માટે આઇકેઆઇ દ્વારા બનાવવામાં આવેલા વૈજ્ઞાાનિક ઉપકરણોની ડિઝાઇન્સ તફડાવવામાં આવી છે. વેબસાઇટને હેક કરી તેના પર આઇએસએસ બાબતે ધમકી આપવા બદલ તેમના આ હાલ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. રશિયાએ આઇએસએસ માટે નિભાવવામાં આવતી જવાબદારી આર્થિક નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ છોડી દેવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત યુક્રેન પર હુમલા કરવાનું બંધ કરવામાં નહીં આવે તો અમે તમારી વધારે પત્તર ખાંડીશું તેમ જણાવવામાં આવ્યું હતું. અન્ય એક હેકર્સ જૂથ દ્વારા રશિયાની સેટલાઇટ કન્ટ્રોલ સિસ્ટમને નકામી બનાવી દેવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ દાવાની ખરાઇ કરી શકાઇ નથી. અગાઉ રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા રોગોઝીનેે હેકર્સને ધમકી આપી હતી કે જો તેઓ દેશના સેટેલાઇટની કામગીરીને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમના પગલાંને યુદ્ધ છેડવા માટે વાજબી ગણવામાં આવશે. રશિયાના આરકેએ મિશન કન્ટ્રોલ સેન્ટર પર સાયબર હુમલો થયા બાદ આ ચેતવણી આપવામાં આવી હતી. રોગોઝીને હેકર્સને ધમકી આપતાં જણાવ્યું હતું કે અમે આ કરતૂત કરનારાઓને ઓળખી કાઢીશું.