દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુરત શહેર એસઓજીની ટીમને સાથે રાખી ઓનલાઇન ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ કર્યો હતો. ડાર્કવેબ મારફતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી લોકલ લેવલે વેચાણ કરતા અડાજણનું ગોળવાળા દંપતી પકડાયું હતુ. એનસીબીની ટીમ ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે લઇ દંપતીને લઇ દિલ્હી જવા રવાના થઇ હતી. ગોળવાળાના લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કરતા હાઇ ક્વોલિટીનો ગણાતો 2 કિલો હાઇબ્રિડ ગાંજો, 100 ગ્રામ ચરસ અને 300થી વધુ નશાની ટેબલેટો મળી આવી હોવાનું જાણવા મળે છે.
યુવાધનને બરબાદીના દલદલમાં ધકેલતા ડ્રગ્સના ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબુદ કરવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સહિતની એજન્સીઓ સતત એલર્ટ છે. બીજી તરફ ડ્રગ્સ માફિયાઓ પણ નવી-નવી મોડસ ઓપરેન્ડી થકી પોતાના બદઇ રાદાઓને અંજામ આપી રહ્યા છે. હાલમાં ડિજિટલ યુગમાં ડ્રગ્સ માફિયા ઓનલાઇન ગોરખધંધા કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. દરમિયાન દિલ્હીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને ઓનલાઇન ડ્રગ્સ રેકેટ ડાર્કવેબ મારફતે ઓપરેટ થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે એનસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સને આધારે વર્કઆઉટ કરતા એવો ઘટસ્ફોટ થયો હતો કે, સુરતમાં અડાજણ ખાતે એલપી સવાણી રોડ પર નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતો કૃણાલ ગોળવાલા ડાર્કવેબ મારફતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી સુરતમાં ગ્રાહકોને વેચે છે.

દિલ્હી એનસીબીની ટીમે શુક્રવારે સુરતમાં ધામા નાંખ્યા હતા. અહીં સુરત શહેર પોલીસની એસઓજીની ટીમને સાથે રાખી અડાજણમાં નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રેઇડ કરી હતી. જ્યાં ગોળવાળાના લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કરતા હાઇ ક્વોલિટીનો ગણાતો 2 કિલો હાઇબ્રિડ ગાંજો, 100 ગ્રામ ચરસ અને 300થી વધુ નશાની ટેબલેટો મળી આવી હોવાનું જાણવા મળે છે. પોલીસે ડ્રગ્સનો જથ્થો કબ્જે લીધો હતો. આ ઓનલાઇન ડ્રગ્સના ગોરખધંધામાં કૃણાલ ગોળવાળાની સાથોસાથ તેની પત્ની દિક્ષીતાની પણ સંડોવણી બહાર આવી હતી. જેથી બંનેની અટકાયત કરાઇ હતી. એનસીબી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઇ ગોળવાળા દંપતીને લઇ દિલ્હી નીકળી ગઇ હતી.
ડિજિટલ વર્લ્ડમાં જે કોઇ ઇન્ફર્મેશનની આપ-લે થાય છે તે સાઇબર સ્પેસમાં થતી હોય છે. સાયબર સ્પેસના સરફેસ વેબ, ડિપ વેબ અને ડાર્ક વેબ એમ ૩ પ્રકાર હોય છે. જે પૈકી ડાર્ક વેબ ગેરકાયદે છે અને અહીં ગોરખધંધા જ થાય છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ડાર્ક વેબના ડેટા ગૂગલ કે અન્ય સર્ચ એન્જિનમાં સર્ચ કરી શકાતા નથી.