એક તરફ સુરતમાં ઉદ્યોગ ધંધાનું ચલણ વધી રહ્યું છે ત્યારે યુવાધનમાં અફીણ, ચરસ, ગાંજો, એમ ડી ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનો કારોબાર મોટા પ્રમાણમાં થઇ રહ્યાનું વધુ એક વખત સામે આવ્યુ છે. શહેર પોલીસે સુરતના છેવાડે નિયોલ પાટીયા પાસેથી મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સના મોટા જથ્થા સાથે રાંદેરના ત્રણ યુવાનોને ઝડપી લઇ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, સુરતના કડોદરા રોડ પર નિયોલ ચેક પોસ્ટ પાસે પોલીસે વોચ ગોઠવી અને રૂપિયા 19.62 લાખની કિંમતના મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થા સાથે સુરત શહેરના રાંદેર કાલા સ્ટ્રીટ ગોરે ગરીબ કબ્રસ્તાન સામે રહેતા ઇમરાન અબ્દુલ રશીદ શેખ, સુલતાનિયા જીમખાના નજીક રહેતા ઇમરાન ઉર્ફે બોબા ફકરૂદીન ખાન અને કોઝવે રોડ લાલબાગ ટેકરા ખાતે રહેતા મુઆઝ ઉર્ફે માજ ઇબ્રાહીમ સૈયદને ઝડપી પાડ્યા હતા.

આ ત્રણેય યુવાનો હોન્ડા અમેજ કાર નંબર જીજે 5 આર એમ 4881 મારફત મુંબઇના નાલા સોપારા ખાતેથી એક વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો સુરતમાં છુટક વેંચાણ કરવા માટે લાવ્યા હોવાની કબુલાત તેમણે કરી છે. આ ત્રણેય પાસેથી પોલીસે ડ્રગ્સના જથ્થા ઉપરાંત રોકડા રૂપિયા બે લાખ 49 હજાર 500 સહિત મોબાઇ ફોન અને કાર વિગેરે જથ્થો કબજે કર્યા છે. ત્રણેય આરોપીઓ કેટલા સમયથી આ નશીલા પદાર્થોનો કારોબાર કરતા હતા તેમજ તેમની સાથે સુરતમાં કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ પોલીસે આદરી છે. આવતી કાલે તમામને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવશે.
પોલીસ કમિશનરની મહત્વની અપીલ
પોલીસ કમિશનર અજય કુમાર તોમરે શહેરીજનોને અપીલ કરતા જણાવ્યુ છે કે, સુરત શહેરના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ્સ માફીયાઓ દ્વારા નાના નાના કુરીયરોની ચેઇન બનાવીને નશીલા પદાર્થો વેચવામાં આવી રહ્યા છે. આ ડ્રગ્સ નેટવર્કને નેસ્ત નાબુદ કરવા માટે સુરત પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે અને ગેરકાયદેસર રીતે ડ્રગ્સ કે ગાંજા જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરનારા સુધી પોલીસ પહોંચે તે માટે લોકોએ પણ મદદ કરવાની આવશ્યકતા છે. આવા ડ્રગ્સ વેચનારાઓ વિશે સુરત ક્રાઇમ બ્રાન્ચને સ્થાનિક લોકોને જાણકારી આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે.